Ahmedabad: અમરાઈવાડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, ગરબા ચોકમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ઢાળી દીધો

અમદાવાદના અમરાઈવાડીમાં જૂની અદાવતમાં એક યુવકની ગરબા ચોકમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. વિકેશ ગુર્જર નામના યુવક પર સંતોષ ઉર્ફે મદન રાજપૂત અને રોહિત ઉર્ફે ગાંડાએ હુમલો કર્યો હતો, જેમાં તેનું હોસ્પિટલમાં મોત થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Oct 2026 09:11 PM (IST)Updated: Sun, 18 Oct 2026 09:11 PM (IST)
ahmedabad-news-youth-stabbed-to-death-over-old-enmity-in-amraiwadi

Ahmedabad: અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ ચોરી, લૂંટ અને હત્યા જેવા ગુનાઓનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો છે. આવો જ વધુ એક કિસ્સો શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં જૂની અદાવતમાં એક યુવકને ગરબા ચોકમાં છરીના આડેધડ ઘા ઝીંકીને ઢાળી દેવામાં આવ્યો છે.

ગરબાના ચોકમાં જ યુવક પર છરીથી હુમલો થતાં નાસભાગ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમરાઈવાડીની ત્રિકમલાલ ભોગીલાલની ચાલીમાં રહેતો વિકેશ ગુર્જર (28) નવરાત્રી નિમિત્તે પોતાના મિત્રો સાથે ગુલાબનગરમાં ગરબા રમવા ગયો હતો. જ્યાં જૂની અદાવતમાં બે ઈસમોએ ગરબાના ચોકમાં જ વિકેશ સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા ઈસમો પોતાની પાસે રહેલી છરી વડે વિકેશ પર તૂટી પડ્યા હતા.

ગરબા ચોકમાં જ છરીથી ખૂની હુમલાની ઘટનાના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જે બાદ લોહીલુહાણ હાલતમાં વિકેશને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતુ. જેના પરિણામે જીવલેણ હુમલાનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં અમરાઈવાડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વિકેશ પોતાના ભાઈ અભિષેક સાથે ગુલાબનગરમાં ગરબા જોવા ગયો હતો. જ્યાં સંતોષ ઉર્ફે મદન રાજપૂત અને રોહિત ઉર્ફે ગાંડાએ જૂની અદાવતમાં તેના પર હુમલો કર્યો હતો. હાલ તો પોલીસ દ્વારા બન્ને ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.