Ahmedabad: વસ્ત્રાપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવકો પર હિચકારો હુમલો, 15 લોકોનું ટોળું લાકડી, પાઈપો અને ધારદાર છરા લઈને તૂટી પડ્યું

કારને દંડા મારતા સરખેજ પોલીસ મથકમાં સમાધાન કરાયું હતુ. આરોપીઓએ નુકસાનીના 12 હજાર ચૂકવી દેતા ફરિયાદ નહતી કરી. જો કે સમાધાનનો ખાર રાખીને બીજા દિવસે હુમલો કર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Feb 2026 08:46 PM (IST)Updated: Sat, 14 Feb 2026 08:46 PM (IST)
ahmedabad-crime-news-car-parking-dispute-escalates-into-violent-attack-in-posh-vastrapur-area
HIGHLIGHTS
  • વસ્ત્રાપુર પોલીસ મથકમાં 4 સામે ગુનો દાખલ
  • કાર ખસેડવાની બાબત મોટી બબાલ બની

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખૌફ ના રહ્યો હોય, તેમ મારામારી, હત્યા, ચોરી અને છેડતી જેવા ગુનાઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. એવામાં શહેરના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં જૂની અદાવતમાં ધારદાર હથિયાર, લાકડીના દંડા અને લોખંડની પાઈપોથી બે યુવકો પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે.

કાર ખસેડવા જેવી બાબતને લઈને મારામારી પર ઉતર્યા
આ મામલે મૂળ ભાવનગરના વતની મહાવીરસિંહ મોરીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ પહેલા મોડી રાતે તેઓ પોતાના મિત્રો સાથે બોડકદેવ સ્થિત ચાની કિટલીએ ગયા હતા. જ્યાં રસ્તામાં વચ્ચોવચ્ચ રહેલે ક્રેટા કાર ખસેડવાની બાબતે માથાકૂટ થઈ હતી.

આ દરમિયાન 3 થી 4 ઈસમો હાથમાં લાકડીઓ લઈને નીચે ઉતરી અમારી કાર ઉપર દંડાવાળી કરી હતી. જેને લઈને સરખેજ પોલીસ મથકમાં સમાધાન કરી દેવામાં આવ્યું હતુ. આરોપીઓએ ગાડીના નુકસાનના 12 હજાર રૂપિયા ચૂકવી દેતા મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.

સમાધાનની અદાવત રાખીને ઑફિસની નીચે હુમલો કર્યો
બીજા દિવસે ફરિયાદી માસીના દીકરા સાથે પોતાની વસ્ત્રાપુર સ્થિત ઑફિસની નીચે બાંકડા પર બેઠા હતા, ત્યારે 10 થી 15 લોકોનું ટોળું ધસી આવ્યું હતુ અને સમાધાનની અદાવતનો ખાર રાખીને બન્ને પર તૂટી પડ્યું હતુ. લાકડી, પાઈપો અને ધારદાર છરાથી હુમલો કરતા બન્ને યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સમયે બૂમાબૂમ થતાં લોકો પોતાના વાહનો લઈને ભાગી છૂટ્યા હતા. જે બાદ બન્ને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે મહાવીરસિંહની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.