Heena Makwana Caste based Insult Case: અમદાવાદની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિના મકવાણા સોશિયલ મીડિયા પર જાતિગત ભેદભાવનો ભોગ બની હોવાની ગંભીર ઘટના સામે આવી છે. એક યુઝરે હિના મકવાણાની ઈન્સ્ટાગ્રામ રીલ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે યુવતીએ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
યુવતી પર એક યુઝરે કરી અપમાનજનક ટિપ્પણી
આ સમગ્ર મામલા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, જન્માષ્ટમીના બીજા દિવસે હિના મકવાણાએ ભાડજ સ્થિત હરેકૃષ્ણમંદિરનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે યુવતીની જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરીને ટિપ્પણી કરતા હિના મકવાણાએઅમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
ભાડજ હરેકૃષ્ણ મંદિરના વીડિયોથી થયો વિવાદ
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિના મકવાણાએ ભાડજ હરેકૃષ્ણ મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તે મંદિરના સેવકો સાથે દલીલ કરતી જોવા મળી હતી. હિનાનો આક્ષેપ હતો કે મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યા બાદ પણ તેને યોગ્ય જગ્યા આપવામાં આવતી નહોતી. જોકે, સેવક શ્યામ ચરણ દાસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમના તરફથી આ પ્રકારે કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
'rohan_shah87' યુઝરે કરી વિવાદિત કોમેન્ટ
આ વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે હિના મકવાણાનો ફોટો લઈને તેને ટ્રોલ કરતી એક રીલ અપલોડ કરી હતી. ગત 6 સપ્ટેમ્બરના રોજ આ ટ્રોલિંગ વીડિયો નીચે rohan_shah87 નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે હિનાની જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પોતાની જાતિ વિશે અપમાનજનક કોમેન્ટ થતાં હિના મકવાણાએ તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશનમાં કોમેન્ટ કરનાર યુઝર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.
પોતાની સાથે થયેલા જાતિગત ભેદભાવ અંગે દુઃખ વ્યક્ત કરતા હિના મકવાણાએ જણાવ્યું કે, "હું નાની હતી ત્યારથી જ આ બાબત ફેસ કરી રહી છું. આ ઉપરાંત 15 વર્ષ ભાડે રહ્યા ત્યારે પણ જાતિને લઈને જલ્દી કોઈ મકાન ભાડે આપતું નહોતું. એટલું જ નહીં, મકાન માલિક પણ કહેતા કે જો નોનવેજ ખાશો તો તમને અડધી રાત્રિના કાઢી મૂકીશું." હાલમાં પોલીસે આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
