Vadodara: વડોદરા શહેર અને જિલ્લામાં આવનારી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી તારીખ 26થી શરૂ થનારી બોર્ડ પરીક્ષાઓ માટે શૈક્ષણિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને વિદ્યાર્થીઓને સુચારુ તથા સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષાઓમાં આ વર્ષે વિશેષ રાહત પણ આપવામાં આવી છે. 3 કલાકના પ્રશ્નપત્ર માટે પરીક્ષાર્થીઓને એક કલાકનો વધારાનો સમય આપવામાં આવશે, જેથી કોઈપણ વિદ્યાર્થી સમયના દબાણમાં ન આવે અને પોતાની ક્ષમતા અનુસાર જવાબ આપી શકે.
'ઈટાલિયા AAPને સાફ કરી નાંખશે..!'- કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતની ભવિષ્યવાણી પર ઈસુદાન ભડક્યા, કહ્યું- '2027 પહેલા ડૂબતી નાવમાંથી નીકળી જજો'
વડોદરા શહેર–જિલ્લામાં SSC બોર્ડની પરીક્ષા માટે કુલ 4 ઝોનમાં અને HSC બોર્ડ માટે 2 ઝોનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં મળીને કુલ 267 પરીક્ષા કેન્દ્રો કાર્યરત રહેશે, જ્યાં અંદાજે 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની કડક નજર રાખવામાં આવશે.
આ પરીક્ષાની એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત એ છે કે, આ વર્ષે SSC બોર્ડમાં 9 અને HSC બોર્ડમાં 4 મળી કુલ 13 કેદીઓ પણ પરીક્ષા આપશે. કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરીને તેમને પણ શિક્ષણનો અધિકાર મળી રહે તે માટે જરૂરી સુરક્ષા અને દેખરેખ સાથે પરીક્ષા લેવાશે.
વધુમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, પરીક્ષા દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય તે માટે વીજ કંપનીઓ, એસટી વિભાગ, પોલીસ તંત્ર તેમજ અન્ય સંબંધિત વિભાગોને સાબદુ કરવામાં આવ્યા છે. વીજ પુરવઠો અવિરત રહે, પરિવહન સુચારુ ચાલે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ શાંતિ જળવાઈ રહે તે માટે સંકલિત આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.
અંતમાં, જિલ્લા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ અફવા પર ધ્યાન ન આપે, સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે. આ સમગ્ર આયોજનથી સ્પષ્ટ થાય છે કે વડોદરામાં SSC–HSC બોર્ડ પરીક્ષાઓ માટે સંપૂર્ણ તૈયારી સાથે અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.
