Ahmedabad Floating Solar Project: આગામી સમયમાં ઊર્જાના સ્ત્રોતનો બચાવ કરવા તથા પર્યાવરણ અને ખર્ચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જે હેઠળ સાબરમતી નદી પર તથા શહેરના વિવિધ તળાવો માટે પ્રથમવાર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે.
રીન્યુએબલ એનર્જી માટે ખાસ આયોજન
આ પણ વાંચો
2030માં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં આવનાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા શહેરની વીજ માંગને પહોંચી વળવા માટે અમદાવાદ મનપા દ્વારા ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છ. જેના ભાગરૂપે 125 મેગાવોટ રીન્યુએબલ એનર્જી કેપ્ટીવ પ્રોજેક્ટ માટે સરકારી એજન્સી GERMI - ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટને કામગીરી સોંપવામાં આવશે.
વર્ષ 2028 અંત સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2028 ના અંત સુધીમાં સૌર ઉર્જા અને વિન્ડ પાવર રીન્યુએબલ એનર્જી મારફતે 100 ટકા વીજ વપરાશ માટે ઉર્જા મેળવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારની એજન્સી દ્વારા સાબરમતી નદી અને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવ પર ફ્લોટિંગ સોલાર પેનલ લગાવવામાં આવશે.
ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનો અમલ થશે
ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે, જેથી AMCને કોઈ ખર્ચ કરવો નહીં પડે. રીન્યુએબલ એનર્જી મારફતે ઉર્જા મેળવીને અમદાવાદ મનપાની તમામ કચેરી અને બિલ્ડીંગ સહિત અન્ય સ્થળે સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. જેના પરિણામે દર મહિને રૂ. 350 કરોડ અને વર્ષે રૂ. 3,600 કરોડની મહાબચત થશે.
આ પણ વાંચો: કાંકરિયા લેકફ્રન્ટ પર બે નવા આકર્ષણ, બાળકો માટે તૈયાર થશે કેન્ડી વર્લ્ડ; બીજી ભેટ જાણી ખુશ થઈ જશો
સરકારી એજન્સી GERMI ની નિમણૂંક
AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં નેટ ઝીરો સિટી માટે થઈને વીજ ખપત 100 ટકા રીન્યુએબલ એનર્જી મારફતે મેળવવા રાજ્ય સરકારની પોલીસી અને ગાઈડલાઈનને અનુસરીને ફિઝિબિલિટી સ્ટડી કરવા, DPR તૈયાર કરીને સુપ્રત કરવા, ટેન્ડર જારી કરીને તેનું ઈવેલ્યુએશન કરવા, તેમજ વર્ક ઓર્ડર આપવા સહિતની કામગીરી માટે કન્સલ્ટન્ટ તરીકે સરકારી એજન્સી GERMI ની નિમણૂંક કરવાનું નક્કી કર્યું છે.
દર વર્ષે અંદાજે રૂ. 3,600 કરોડની બચત
આમ, સાબરમતી નદીના વિશાળ પટ પર તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવ ખાતે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. જેના પરિણામે શહેરને પર્યાવરણને સાનુકૂળ એવી સૌર ઊર્જા અને પવન ઉર્જાનો લાભ મળશે. હાલ, AMCને દર મહિને વીજ બિલ પાછળ અંદાજે રૂ. 350 કરોડ અને દર વર્ષે અંદાજે રૂ. 3,600 કરોડનો જંગી ખર્ચ કરવા પડે છે. સૌર ઉર્જાનો વપરાશ કરવાને પરિણામે આ મોટા વીજ બિલમાંથી મુક્તિ મળશે.
