Kankaria Candy World: અમદાવાદના જનતાને એક વૈશ્વિક કક્ષાની ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા ખાતે રૂ. 15 કરોડના ખર્ચે બાળકો માટે કેન્ડી વર્લ્ડનું નવું આકર્ષણ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે લેકફ્રન્ટમાં અલગ અલગ થીમ આધારિત લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો પણ શરૂ કરવામાં આવશે.
કાંકરિયા લેકફ્રન્ટ પર બે નવા આકર્ષણ
આ પણ વાંચો
અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કાંકરિયા લેકફ્રન્ટને લઈ બે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. એક વર્ષની અંદર અંદાજે 15 કરોડ રૂપિયાના ખર્ચે બાળકો માટે કેન્ડી વર્લ્ડનું નવું આકર્ષણ તૈયાર કરવામાં આવશે. બીજી તરફ લેકફ્રન્ટમાં મુલાકાતીઓ માટે રૂપિયા 5.53 કરોડના ખર્ચથી અલગ અલગ થીમ પર લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો શરૂ કરવામાં આવશે.
બાળકો માટે તૈયાર થશે કેન્ડી વર્લ્ડ
આગામી એક વર્ષના સમયમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે PPP ધોરણે બાળકો માટે કેન્ડી વર્લ્ડ ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 4133 ચોરસ મીટર વિસ્તારમાં બાળકો માટે થીમ આધારિત પાર્ક તૈયાર કરવામાં આવશે, જેમાં બાળકો કેન્ડી કેસલથી રેઈનબો સ્લાઈડ સુધીની મજા માણી શકાશે. આ પાર્કમાં થીમ આધારિત એન્ટ્રી ગેટ ઉપરાંત ટિકિટિંગ ઝોન, ફૂડ કાઉન્ટર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. કેન્ડી વર્લ્ડમાં એન્ટ્રી ફી અંદાજે રૂપિયા 40 અને વિવિધ એક્ટિવિટી દીઠ માટે રૂ. 50 થી 100 ટિકિટ હશે.
કેન્ડી વર્લ્ડના મુખ્ય આકર્ષણ
- ગ્રાન્ડ એન્ટરન્સ પ્લાઝા, ચોકલેટ મોન્યુમેન્ટ, ફોટોગ્રાફી માટે પ્લેસ
- ફેન્ટેસી વર્લ્ડ, સેન્સરી અનુભવ આપતી રમત, ગેમ ઝોન
- નીઓન પિકલ બોલ કોર્ટ, થીમ આધારિત ફૂડ કિઓસ્ક
- મિલ્કી વે ગેલેક્સી - દોરડાથી બનેલું પ્લે ગ્રાઉન્ડ, બબલ બ્લાસ્ટ
- રંગીન રેઈનબો સ્લાઈડ, ઈમર્સિવ રાઈડ, ડાર્ક રાઈડ, ફન રાઈડસ
મલ્ટી મીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં આધુનિક ટેકનોલોજી આધારિત મલ્ટી મીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન ડેવલપ કરવામાં આવશે. AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આમાં 15-15 મિનિટના કુલ ચાર જુદા થીમ પર ફાઉન્ટેન શો યોજાશે. મુલાકાતીઓ સાંજે 7:00 વાગ્યા બાદ આ શો નિહાળી શકશે. આ ફાઉન્ટેનમાં પાણીના ફુવારા, સંગીત, લાઇટિંગ તેમજ વિઝયુઅલ પ્રોજેક્શનનું સંકલન કરવામાં આવશે.
PPP ધોરણે ડેવલમેન્ટ, AMCને થશે આવક
એજન્સીને એક વર્ષના ડીફેક્ટ લાયબિલિટી પિરિયડ સાથે ચાર વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સનું કામ આપવામાં આવશે. એજન્સી પાસેથી કોર્પોરેશનને રેન્ટલ બેઝ ભાડાની આવક ઉપરાંત 35 ટકા રેવન્યુ શેર પણ મળશે. અમદાવાદ મહાનગરપાલિકા એજન્સીને માત્ર જગ્યા ફાળવશે. મનપા તંત્રને દર વર્ષે પ્રતિ સ્ક્વેર મીટર રૂપિયા 187 મુજબ રેન્ટલ ભાડા પેટે રૂપિયા 7.72 લાખની આવક થશે.
