Western Railway: સાબરમતી સ્ટેશનના રીડેવલપમેન્ટનો ધમધમાટ, પ્લેટફોર્મ નંબર 1 પર એન્જિનિયરિંગ બ્લોક, બે દિવસ પેસેન્જર ટ્રેનોને અસર

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આવશ્યક એન્જિનિયરિંગ કામગીરી માટે 27 અને 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન ખાસ બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 26 Feb 2026 08:24 PM (IST)Updated: Fri, 27 Feb 2026 02:59 AM (IST)
western-railway-sabarmati-station-redevelopment-in-full-swing-engineering-block-on-platform-number-1-passenger-trains-affected-for-two-days

Western Railway, Ahmedabad: રેલવે પ્રતિનિધિ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાના ભાગરૂપે ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી હવે પ્લેટફોર્મ સ્તરે પહોંચી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આવશ્યક એન્જિનિયરિંગ કામગીરી માટે 27 અને 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન ખાસ બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટેકનિકલ બ્લોકને કારણે જોધપુર, પાટણ અને કાટોસણ રોડ વચ્ચે દોડતી કેટલીક મહત્વની ટ્રેનોને આંશિક અથવા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આંશિક રદ ટ્રેનો (Short-Termination)

લાંબા અંતરની જોધપુર એક્સપ્રેસ ટ્રેન સાબરમતી સુધી આવવાને બદલે વચગાળાના સ્ટેશનેથી પરત ફરશે, જેનાથી મુસાફરોના સમયપત્રકમાં મોટો ફેરફાર થશે:

  • ટ્રેન સંખ્યા 14821 (જોધપુર–સાબરમતી એક્સપ્રેસ): તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ જોધપુરથી ઉપડનારી આ ટ્રેન સાબરમતી સુધી નહીં આવે. આ ટ્રેન આબુ રોડ સ્ટેશને શોર્ટ-ટર્મિનેટ થશે, એટલે કે આબુ રોડ અને સાબરમતી વચ્ચેનો તેનો રૂટ આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન સંખ્યા 14822 (સાબરમતી–જોધપુર એક્સપ્રેસ): તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ આ ટ્રેન સાબરમતીથી ઉપડવાને બદલે આબુ રોડ સ્ટેશનથી ઉપડશે. સાબરમતી અને આબુ રોડ વચ્ચે મુસાફરી કરનારા પેસેન્જરોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.

સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો (Daily Commuters)

સ્થાનિક મુસાફરો અને નોકરિયાત વર્ગ માટે મહત્વની ગણાતી ડેમુ અને મેમુ ટ્રેનોને 27 ફેબ્રુઆરીના રોજ સંપૂર્ણ રદ રાખવામાં આવી છે:

  • સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ (ટ્રેન નં. 79435/79436): તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ બંને દિશામાં આ ટ્રેન દોડશે નહીં.
  • સાબરમતી–કાટોસણ રોડ–સાબરમતી મેમુ (ટ્રેન નં. 69249/69250): તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ આ ટ્રેન પણ સંપૂર્ણપણે રદ રહેશે.

શા માટે લેવાયો છે આ બ્લોક?
સાબરમતી સ્ટેશનને 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળ નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્લેટફોર્મ નંબર-1 પર ટ્રેક મેન્ટેનન્સ, સિગ્નલિંગ અપગ્રેડેશન અને પ્લેટફોર્મના વિસ્તરણ જેવી એન્જિનિયરિંગ કામગીરી માટે આ બ્લોક અનિવાર્ય છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં વધુ ટ્રેનો અને મુસાફરોની ક્ષમતા વધારવા માટે આ કામગીરી અત્યંત જરૂરી છે.

મુસાફરો માટે અગત્યની સૂચના
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, મુસાફરી શરૂ કરતા પહેલા રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in અથવા NTES (National Train Enquiry System) એપ પર ટ્રેનનું સ્ટેટસ તપાસી લેવું.

બ્લોકને કારણે થતી અસુવિધા બદલ રેલવેએ ખેદ વ્યક્ત કર્યો છે અને સાથ-સહકારની અપેક્ષા રાખી છે.