અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 256મું અંગદાનઃ નડિયાદના બ્રેઈનડેડ મહેશભાઈના અંગદાનથી 5 દર્દીઓને નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના બ્રેઈનડેડ મહેશભાઈના અંગદાનથી પાંચ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ અંગદાન રાજ્ય સરકાર અને હોસ્પિટલના સંવેદનશીલ પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 05:06 PM (IST)Updated: Sun, 27 Sep 2026 05:06 PM (IST)
ahmedabad-civil-hospital-256th-organ-donation-46-yearold-maheshbhai-gives-new-life-to-5

Ahmedabad Civil Hospital Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અંગદાન નોંધાયું છે, જે રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ તંત્રના અંગદાન પ્રત્યેના સંવેદનશીલ અને ઉમદા પ્રયાસોની ઉત્કૃષ્ટ મિસાલ પૂરી પાડે છે.

ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી 46 વર્ષીય લખમણી મહેશભાઈને ગત 24 સપ્ટેમ્બરના રોજ અકસ્માત નડતા પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જે બાદ વધુ સઘન સારવાર અર્થે 25 સપ્ટેમ્બરના રોજ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તબીબોની તમામ સઘન સારવાર અને પ્રયાસો છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં, 26 સપ્ટેમ્બરના રોજ તબીબી તપાસ અને જરૂરી પ્રોટોકોલ મુજબ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ દુઃખદ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. જીનેન પંડ્યાએ મહેશભાઈના પત્ની અમિતાબેનને અંગદાનના મહત્વ અને તેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને મળતા જીવનદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પત્નીએ દુઃખની ઘડીમાં લીધો સંવેદનશીલ નિર્ણય: 5 દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા મહેશભાઈ

પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અમિતાબેને પરોપકારની ભાવના સાથે પતિના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો, જેનાથી પાંચ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે.

મહેશભાઈના અંગદાનથી કુલ પાંચ અંગો પ્રાપ્ત થયા છે, જેમાં એક હૃદય, એક લીવર, બે કિડની અને એક સ્વાદુપિંડ (પેનક્રિયાસ)નો સમાવેશ થાય છે. જેમાંથી લીવર, બે કિડની તેમજ પેનક્રિયાઝને સિવિલ મેડિસિટી કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં તેમજ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 256 અંગદાતાઓ પાસેથી કુલ 849 અંગોનું દાન પ્રાપ્ત થયું છે, જેમાં 230 લીવર, 472 કિડની, 24 સ્વાદુપિંડ, 81 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાના આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 204 ચક્ષુ અને 50 ચામડી સહિતની 254 પેશીઓનું પણ દાન પ્રાપ્ત થયું છે.

સિવિલ હોસ્પિટલના સંકલનથી અંગ અને પેશી દાનનો આંકડો 1100ને પાર

આમ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 1103 અંગો અને પેશીઓનું દાન સફળતાપૂર્વક મેળવીને દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી અંગદાન અને પેશી દાનનો કૂલ આંકડો 1100ને પાર કરી ગયો છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “અંગદાનની દરેક ઘટના પાછળ એક પરિવારનું મોટું દુઃખ અને માનવતાનો એક મહાન નિર્ણય જોડાયેલો હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા સતત કરવામાં આવતા પ્રયાસો, સમયસર કાઉન્સિલિંગ, તબીબી ટીમો સાથેનું સંકલન અને પરિવારજનોને આપવામાં આવતું માર્ગદર્શન અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહેશભાઈના પરિવારજનો દ્વારા દુઃખની આ ઘડીમાં લેવામાં આવેલો અંગદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંગદાનના આ સતત પ્રયાસોમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ, તબીબો, કાઉન્સિલરો, નર્સિંગ અને અન્ય સહાયક સ્ટાફ દ્વારા કરવામાં આવતી સતત કામગીરી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.