અમદાવાદમાં રોગચાળો વકર્યો, વાયરલ ફિવરના કેસમાં ઉછાળો: જાણો અસારવા અને સોલા સિવિલ OPDમાં કેટલા દર્દી નોંધાયા

સોલા સિવિલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 214 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 08:59 AM (IST)Updated: Thu, 17 Sep 2026 08:59 AM (IST)
ahmedabad-civil-and-sola-civil-hospital-opd-cases-dengue-swine-flu-viral-fever-report
અસારવા સિવિલ હોસ્પિટલ

Ahmedabad Epidemic: ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં વાયરલ ફીવર, ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરની બે મોટી સરકારી હોસ્પિટલ અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલની OPD માં એક જ સપ્તાહમાં 45,797 દર્દીઓ સારવાર લેવા માટે ઉમટી પડ્યા છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં 30,044 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 15,753 દર્દીઓ નોંધાયા છે.

ડેન્ગ્યુના 370 કેસ, સ્વાઈન ફ્લૂના 9 પોઝિટિવ દર્દી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 1,549 દર્દીઓને અને અસારવા સિવિલ હોસ્પિટલમાં 2,628 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં મચ્છરજન્ય અને વાયરલ રોગચાળાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે:

ડેન્ગ્યુ: શહેરની બંને હોસ્પિટલમાં ડેન્ગ્યુના કુલ 370 કેસ નોંધાયા છે. અસારવા સિવિલમાં સપ્ટેમ્બરના પ્રથમ 16 દિવસમાં જ ડેન્ગ્યુના 156 નવા કેસ આવ્યા, જે ઓગસ્ટ મહિનામાં 94 હતા. જ્યારે સોલા સિવિલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદ દર્દીમાંથી 214 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સ્વાઈન ફ્લૂ: સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 85 શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવી, જેમાંથી 9 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 2 સ્ટેબલ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી એક દર્દીને ઓક્સિજનના સહારે રાખવામાં આવ્યો છે.

અસારવા સિવિલ OPDમાં નોંધાયેલા દર્દીઓ

કેસ ઓગસ્ટ 1-16 સપ્ટેમ્બર
ડેન્ગ્યુ 94 156
હિપેટાઈટિસ 194 73
વાયરલ ફીવર 700 420
સાદો મેલેરિયા 43 20
ઝેરી મેલેરિયા 13 09
ચિકન ગુનિયા 10 17

સોલા સિવિલમાં નોંધાયેલા સપ્તાહના કેસ

કેસ શંકાસ્પદ કેસ પોઝિટિવ કેસ
ડેન્ગ્યુ 552 214
સ્વાઈન ફ્લુ 85 09
મેલેરિયા 1321 18
ચિકન ગુનિયા 16 01

અસારવા સિવિલમાં દોઢ માસમાં વાયરલના 1,120 કેસ

અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં વાયરલ ફિવરના 700 દર્દીઓ હતા, જ્યારે સપ્ટેમ્બરના 16 દિવસમાં જ નવા 420 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આમ, દોઢ માસમાં કુલ 1,120 કેસ નોંધાયા છે.

મેલેરિયા અને ઝેરી મેલેરિયા: અસારવા સિવિલમાં ઓગસ્ટમાં મેલેરિયાના 43 કેસ, જ્યારે સપ્ટેમ્બરના 16 દિવસમાં 20 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાના ગત મહિને 13 અને હાલમાં 9 કેસ છે. સોલા સિવિલમાં મેલેરિયાના 1,321 શંકાસ્પદ દર્દીમાંથી 18 દર્દીના રિપોર્ટ કન્ફર્મ આવ્યા છે.

ચિકનગુનિયા અને ટાઈફોઈડ: સિવિલમાં ઓગસ્ટમાં ચિકનગુનિયાના 10 કેસ હતા, જે સપ્ટેમ્બરમાં વધીને નવા 17 કેસ થયા છે. સોલામાં ચિકનગુનિયાના 16 શંકાસ્પદમાંથી 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. સિવિલમાં ટાઈફોઈડના દોઢ માસમાં 15 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સોલામાં 4 દર્દીઓને સારવાર અપાઈ છે.

હિપેટાઈટિસ અને પાચનતંત્રના રોગો: સિવિલમાં ઓગસ્ટમાં હિપેટાઈટિસના 194 કેસ હતા, જ્યારે સપ્ટેમ્બરના 16 દિવસમાં 73 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં વાયરલ હિપેટાઇટિસ-એ નો 1, વાયરલ હિપેટાઈટિસ-ઈ ના 5 અને ઝાડા-ઉલટીના 14 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.