Train Update: 13મી એપ્રિલે રેલવેનો ટ્રાફિક બ્લોક, વંદે ભારત-શતાબ્દી સહિત અનેક ટ્રેનો પ્રભાવિત; બુલેટ ટ્રેનની કામગીરીની અસર

મણિનગર પાસે બુલેટ ટ્રેનનો પોર્ટલ બીમ મૂકવાની કામગીરી થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 11 Apr 2026 10:14 AM (IST)Updated: Sat, 11 Apr 2026 10:14 AM (IST)
ahmedabad-bullet-train-work-railway-traffic-block-vande-bharat-train-affected
HIGHLIGHTS
  • અમદાવાદમાં રેલવે દ્વારા ટ્રાફિક બ્લોક
  • બુલેટ ટ્રેનની કામગીરીને કારણે થશે અસર
  • વંદે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનોને અસર

Ahmedabad Train Update: અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને રેલવે વ્યવહાર પર મોટી અસર પડવાની છે. મણિનગર પાસે બુલેટ ટ્રેનનો પોર્ટલ બીમ મૂકવાની કામગીરી કરવાની હોવાથી આગામી 13 એપ્રિલના રોજ રેલવે દ્વારા ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

ટ્રાફિક બ્લોકનો સમય, અનેક ટ્રેન પ્રભાવિત

મળતી માહિતી મુજબ, મણિનગર રેલવે સ્ટેશન પાસે કામગીરી કરવાની હોવાથી 13 એપ્રિલે સવારે 10:15 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધી ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ટ્રાફિક બ્લોકના કારણે મુસાફરોની સુવિધા માટે દોડતી વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનોને સીધી અસર થશે.

  • વંદે ભારત એક્સપ્રેસ: આ કામગીરીને કારણે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ રૂટની વંદે ભારત એક્સપ્રેસ માત્ર વટવા સુધી જ દોડશે અને ત્યાંથી જ મુંબઈ પરત ફરશે.
  • શતાબ્દી એક્સપ્રેસ: મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 1:15 કલાક મોડેથી ઉપડશે, જેના પરિણામે આ ટ્રેન અમદાવાદ મોડી પહોંચશે.

સંપૂર્ણ અને આંશિક રદ થયેલી ટ્રેનો

આ ટ્રાફિક બ્લોક દરમિયાન સલામતી અને કામગીરીની સરળતા માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે:

  • વટવા-વડોદરા અને વડોદરા-વટવા રૂટ પર દોડતી મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે.
  • વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેન (વડોદરાથી) 12 અને 13 એપ્રિલના રોજ રદ રહેશે.
  • વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

લાંબા અંતરની કઈ ટ્રેનો મોડી પડશે?

બ્લોકના સમયગાળા દરમિયાન કેટલીક લાંબા અંતરની ટ્રેનોને પણ રસ્તામાં રોકવામાં આવશે અથવા મોડી દોડશે.

  • આસનસોલ-અમદાવાદ અને હાવડા-અમદાવાદ એક્સપ્રેસને વડોદરાથી નડિયાદ વચ્ચે લગભગ 2:10 કલાક માટે રોકી રાખવામાં આવશે.
  • કટરા-જામનગર એક્સપ્રેસ તેના નિયત સમય કરતા લગભગ 1:45 કલાક જેટલી મોડી પડશે.

મુસાફરોને અપીલ છે કે 13 એપ્રિલના રોજ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા રેલવે વિભાગની સત્તાવાર એપ્લિકેશન કે વેબસાઈટ પરથી ટ્રેનનું સ્ટેટસ અચૂક ચેક કરી લે, જેથી કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે.