Bapunagar Fire Incident: અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારમાંથી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ આગ બાપુનગર વિસ્તારમાં આવેલી 'સ્પેક્ટ કેસ' નામની ફેક્ટરીમાં લાગી હતી. આ ફેક્ટરીમાં મુખ્યત્વે પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકનું મોલ્ડેડ મટિરિયલ બનાવવાનું કામકાજ ચાલતું હતું, જેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ ભીષણ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.
ગોમતીપુર ફાયર સ્ટેશનથી ફર્સ્ટ રિસ્પોન્સ
આ ઘટના અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિહિર રાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમને આશરે સવારે 8:15 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નજીકના ગોમતીપુર ફાયર સ્ટેશનથી ફર્સ્ટ રિસ્પોન્સ માટે ટીમો રવાના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Ahmedabad: રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસ, પુરાવાના અભાવે PSI સહિત 7 પોલીસકર્મીઓ નિર્દોષ જાહેર
આગ પર 90 ટકા કાબૂ, મોટી જાનહાનિ ટળી
આગને બુઝાવવા માટે ફાયર વિભાગે મોટાપાયે કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે 9 થી 10 જેટલા ગજરાજ (ફાયર ટેન્ડર), 1 ફાઈટર, 2 મીની ફાઈટર અને ફાયર ઓફિસર્સની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર 90 ટકા જેટલો કાબૂ મેળવી લેવામાં આવ્યો, અને હાલમાં કૂલિંગ પ્રક્રિયા ચાલી રહી છે.
