Valsad: ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગથી 15 જેટલા કામદારો ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી હતી. આવી જ વધુ એક ઘટના વાપી GIDCમાંથી સામે આવી છે. જેમાં ટેક્સટાઈલના પ્લાન્ટમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાપી GIDCમાં આવેલ ક્રિએટિવ ટેક્સટાઈલના પ્લાન્ટના પહેલા માળમાં રાખવામાં આવેલા કપડાના કાચા મટીરિયલમાં અચાનક આગ લાગી હતી. જ્યાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખા પહેલા માળને ઝપેટમાં લઈ લીધો હતો. જો કે સદ્દનસીબે આ સમયે પ્લાન્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓ સમયસર બહાર દોડી આવતા કોઈ જાનહાનિ નથી થઈ.
આગ એટલી ભયાનક હતી કે, કાળા ધૂમાડાના ગોટે-ગોટા આકાશમાં દૂર-દૂરથી દેખાતા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં વાપી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
હજુ સુધી પ્લાન્ટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે રોષે ભરાયેલા કંપનીના કર્મચારીઓએ પ્લાન્ટમાં સેફ્ટીના નિયમોનું પુરતુ પાલન ના કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ પણ આ પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની ચૂકી હોવાનું સામે આવ્યું છે.
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં આગથી 15 કામદારો દાઝ્યા
બે દિવસ પહેલા પણ ઝઘડિયા GIDCમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કેમિકલ કંપનીના પ્લાન્ટમાં પણ પ્રચંડ બ્લાસ્ટ સાથે આગની ઘટના સામે આવી હતી. આ સમયે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના સમયે પ્લાન્ટમાં કામ કરી રહેલા 15થી વધુ કામદારો દાઝી જતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો તાજેતરમાં લાગેલી આગની અન્ય ઘટનાઓ પર નજર નાંખીએ તો, ગત 15 એપ્રિલે વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક ઈમારતમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.જેની પહેલા 6 એપ્રિલના રોજ હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.
