Rajkot: ઘંટેશ્વરમાં પિતા-પુત્રની હેવાનિયત, સાંકળથી બાંધેલા શેરી શ્વાન પર લાકડીઓ લઈને તૂટી પડ્યા; અરેરાટી ઉપજાવતો VIDEO VIRAL

વીડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. મુંજકા પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Apr 2026 07:21 PM (IST)Updated: Sat, 25 Apr 2026 07:21 PM (IST)
rajkot-news-father-son-brutally-beat-stray-dog-woman-injured-while-saving-it-viral-video-outrage
HIGHLIGHTS
  • બચાવવા માટે વચ્ચે પડેલી યુવતીને પણ ફટકારી

Rajkot: શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્વાન પર તૂટી પડયા હતા. શ્વાનને ક્રૂરતાપુર્વક માર મારતા બચાવવા માટે વચ્ચે પડેલી મહિલાને પણ ફટકારી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઘંટેશ્વર નજીક આવેલી કલ્યાણ સોસાયટીમાં રહેલા ક્રિનાબેન પરમાર શેરી શ્વાનને જમવાનું આપતા હોવાથી આ શ્વાન તેમના ઘર પાસે જ રહે છે.

આજે ક્રિનાબેન શ્વાનને દરવાજા સાથે બાંધી પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજા અને અભિરાજસિંહ જાડેજા નામના પિતા-પુત્રએ મોકો જોઇ બાંધેલા શ્વાર ઉપર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા.

સાંકળથી બાંધેલુ શ્વાન કણસતુ હોવા છતાં આ પિતા-પુત્રએ દયા રાખી ન હતી અને લાકડીના ઘા ફટકારવાનું ચાલુ રાખ્યું હતુ. આથી ક્રિનાબેન શ્વાનને બચાવવા માટે ઘરમાંધી દોડી આવ્યા હતા.

ક્રિનાબેને પિતા-પુત્રને હુમલો કરતા અટકાવ્યા હતા. જો કે બન્નેએ ઉશ્કેરાઇ જઇ તેમની સાથે અભદ્ર વર્તન કરી તેમને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવી પડી હતી. જયારે શ્વાનને પણ ગંભીર ઇજા થઇ હોવાથી કરૂણા ફાઉન્ડેશનની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી.

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને શ્વાન ઉપર ક્રુરતા આચરનાર પિતા-પુત્ર સામે ફિટકાર વરસાવ્યો હતો. આ અંગે ભોગ બનનાર મહિલા અને જીવદયા પ્રેમીઓ મુંજકા પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા અને શ્વાન ઉપર હુમલો કરનાર પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.