Ahmedabad News: શહેરનાં વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ ગળેફાંસો ખાઈ લીધાની કરુણ ઘટના બની છે. મળતી માહિતી મુજબ, કોન્સ્ટેબલની પત્નીએ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પગલું ભરી લીધું હતું. કોન્સ્ટેબલ પતિ પર આક્ષેપ છે કે, તે અવારનવાર મહિલા સાથે મારઝુડ કરતો હતો. જ્યારે મહિલાના આપઘાત અંગે ભાઈએ કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ વાસણા પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
મળતી વિગતો મુજબ, રાજસ્થાનની રહેવાસી એવી 35 વર્ષીય મહિલા ગીતાબેનના વિવાહ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે વર્ષ 2013માં થયા હતા. કોન્સ્ટેબલ અર્જુનસિંહે 15 એપ્રિલે તેમના સાળાને ફોન કર્યો હતો, જેમાં દીકરાનો રિપોર્ટ સારો ન આવતા ઉંઘની ગોળીઓ ખાઈને સુઈ ગયાનું કહ્યું હતું. જ્યારે ભાઈને શંકા જતા ગીતાબેનને વીડિયો કોલ કર્યો હતો. જેમાં મહિલા અર્ધબેભાન હોવાનું જણાતાં ભાઈ બહેન પાસે જવા નીકળ્યો હતો. પરંતુ અધવચ્ચે મહિલાના જેઠે આપઘાતની જાણ કરી હતી.
મહિલાએ ચિઠ્ઠીમાં વર્ણવી આપવીતી
પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે મૃતકના પિયર પક્ષને જ્યારે ઘટનાની જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. મૃતકની પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. જે દરમિયાન મૃતકના ભાઈને આરોપી કોન્સ્ટેબલના ભત્રીજાએ બનાવના દિવસે દંપતિ વચ્ચે ઝઘડો થયાની જાણ કરી હતી. ઉપરાંત, મૃતક મહિલાના ઘરમાં તપાસ દરમિયાન એક ચિઠ્ઠી મળી હતી.જેમાં તેણે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
પરીણિતાના ભાઈએ નોંધાવી ફરિયાદ
મૃતક પરીણિતા સાથે પતિએ અગાઉ પણ ઘણીવાર ઝઘડાઓ કર્યા હતા. જેથી તે 2થી 3 વાર પિયરે રિસામણે જતી રહી હતી. પરંતુ મહિલાનો પતિ સાથે 14 એપ્રિલના રોજ ઝઘડો થતા તેણે વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યો હતો. જ્યારે મહિલાના ભાઈએ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પર શારીરિક માનસિક ત્રાસ આપતા કંટાળીને મહિલાએ આપઘાત કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. જે બાદ ભાઈએ વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
