Ahmedabad Commonwealth Games Day: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 24 મે, રવિવારના રોજ 'કોમનવેલ્થ ગેમ્સ ડે' અને 'ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ'ની 75 મી એડિશન નિમિત્તે સાયકલિંગ ઇવેન્ટ યોજાઇ હતી. આ તકે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ અભિનેતા અને ફિટ ઇન્ડિયા આઇકોન આયુષ્માન ખુરાના તેમજ ઓલિમ્પિક મેડલિસ્ટ ગગન નારંગ ઉપસ્થિત હતા.
વહેલી સવારે હજારો જાગૃત નાગરિકો જોડાયા
વહેલી સવારે 6:00 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના હજારો ઉત્સાહી યુવા નાગરિકોએ ભાગ લઈને ફિટનેસનો સકારાત્મક સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2030 માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. આ મહાનુભાવોએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.
Addressing the 75th #SundaysOnCycle in Ahmedabad on Commonwealth Day. https://t.co/J3JttfHq7n
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 24, 2026
કેન્દ્રીય મંત્રીએ ગણાવ્યા સાયકલિંગના ફાયદા
મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદા જણાવતા કહ્યું કે, પ્રથમ- સાયકલિંગ એ શરીરને ફિટ રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે, દ્વિતીય- તેનાથી પ્રદૂષણની સમસ્યાનું નિવારણ થાય છે. તૃતીય- સાયકલનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીના 'તેલ બચાવો અભિયાન'ને વેગ મળશે અને ઇંધણની બચત થાય છે. પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો રમુજી અંદાજ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના યુવાનોના ઉત્સાહને બિરદાવતા હળવા અંદાજમાં કહ્યું કે, "ગુજરાતી માણસ કામ માટે આખી રાત જાગી લેશે, પરંતુ ફિટનેસ માટે વહેલી સવારે ઉઠવું એ તેના માટે મોટો પડકાર હોય છે." યુવાનોની મોટી સંખ્યા જોઈને તેમણે આનંદ વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું કે, 'ફિટ ઇન્ડિયા' એ કોઈ સરકારી કે રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં બદલાવ લાવનારી જન-મૂવમેન્ટ છે.
What better way to begin the day than with fitness, fun and positive energy!
— Harsh Sanghavi (@sanghaviharsh) May 24, 2026
Participated in the 75th Edition of #SundaysOnCycle held at the Ahmedabad Riverfront in the presence of Hon’ble UM Shri @mansukhmandviya Ji, joining citizens in cycling and celebrating an active and… pic.twitter.com/eqSQzDwtqX
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે સાયન્સ સિટીમાં સંવાદ સાધ્યો
અભિનેતા આયુષ્માન ખુરાનાની ખાસ અપીલ
બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ દેશમાં ક્રિકેટની જેમ જ અન્ય તમામ રમતો અને ખેલાડીઓને પ્રોત્સાહન તેમજ ચાહકોનો સપોર્ટ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આવા ફિટનેસ કાર્યક્રમો થકી ભવિષ્યમાં આજના ઉપસ્થિત બાળકો અને યુવાનોમાંથી જ કોઈ ઓલિમ્પિક કે કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને લાવશે.
