અમદાવાદમાં અકસ્માતના બે બનાવઃ વેકેશન બાદ સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ટ્રકે કચડી, SG હાઇવે પર કાર પલટતા ચાલકનું મોત

સ્કૂલના પ્રથમ દિવસે પિતા તેને બાઇક મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર વાગતા પિતા-પુત્રી બાઇક પરથી નીચે પટકાયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 26 Nov 2026 01:03 PM (IST)Updated: Thu, 26 Nov 2026 01:03 PM (IST)
ahmedabad-accidents-schoolgirl-and-car-driver-died-in-two-separate-crashes

Ahmedabad News: અમદાવાદમાં આજે બનેલા અકસ્માતના બે બનાવમાં બે લોકોના મોત નીપજ્યાં છે. ચાંદલોડિયા ગળનારા પાસે ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં પિતા સાથે સ્કૂલે જઇ રહેલી બાળકી ટ્રક નીચે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં એસજી હાઇવે પર કાર પલટી મારી જતાં કારના ચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ટ્રકે બાઇક અડફેટે લેતા સ્કૂલે જતી બાળકીનું મોત

પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસે નેહલ પટેલ નામની 5 વર્ષીય બાળકી વેકેશન બાદ સ્કૂલ ખુલતા સ્કૂલે જઇ રહી હતી. સ્કૂલના પ્રથમ દિવસે પિતા તેને બાઇક મુકવા જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર વાગતા પિતા-પુત્રી બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં ટ્રકનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું. ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતાને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. સ્થાનિકો ટ્રક ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો. સ્થળ પર પહોચેલી પોલીસે ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી હતી. બાળકીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળ અને તેની આસપાસ સીસીટી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાવ અંગે A ટ્રાફિક ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

એસજી હાઇવેના સોલા બ્રિજ પર કાર પલટી ખાતા એકનું મોત

અન્ય બનાવની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસજી હાઇે પર સોલા બ્રિજ પરથી આઇ10 કાર પસાર થઇ રહી હતી. જે દરમિયાન કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી. કારમાં ચાલક સહિત અન્ય ત્રણ મિત્રો પણ સવાર હતા. કાર પલટી ખાઈ જતાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને કાર ચાલકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.