Ahmedabad Jagannath Rath Yatra 2026: જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પહિંદ વિધિ પૂર્ણ કર્યા બાદ ભગવાન જગન્નાથનો પ્રથમ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોનાની સાવરણીથી રસ્તો સાફ કર્યો હતો. પહિંદ વિધિ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથનો પ્રથમ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ એક બાદ એક ત્રણેય રથ મંદિર પરિસરમાંથી બહાર નીકળ્યા હતા.
નાગરિકોને રથયાત્રાની શુભકામના પાઠવી
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, "અષાઢી બીજ ઉત્સવ અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને દેવી સુભદ્રા 'દરિદ્ર નારાયણ' (ગરીબ જનો) તથા તમામ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે."
રથયાત્રાના ભવ્ય આયોજનની સરાહના
વધુમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રથયાત્રાના ભવ્ય આયોજન માટે વહીવટી તંત્રની કામગીરી બિરદાવતા કહ્યું કે, આ રથયાત્રાના સફળ આયોજન અને સંચાલનમાં સામેલ તમામ સરકારી અધિકારીઓ, પોલીસ જવાનો, કોર્પોરેશનના કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓને હું હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું.
અમિત શાહે 4 વાગ્યે કરી મંગળા આરતી
રથયાત્રાના પ્રારંભ પૂર્વે અમદાવાદના શ્રી જગન્નાથજી મંદિરે વહેલી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી યોજાઈ હતી. આ પવિત્ર મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતીના દર્શન કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
