Ahmedabad Rath Yatra 2026: અમદાવાદ શહેરમાં આજે 16મી જુલાઈ 2026, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા, ભક્તિ અને અપાર ઉલ્લાસભેર યોજાઈ હતી. જમાલપુર નિજ મંદિરથી નીકળેલી આ ભવ્ય રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં 22 કિલોમીટર લાંબા રૂટ પર ફરી હતી, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા
સામાન્ય રીતે આવા વિશાળ જનમેદનીવાળા ધાર્મિક મહોત્સવોમાં મોટા પ્રમાણમાં કચરો થવાની સંભાવના રહેતી હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આગોતરા સચોટ આયોજન અને અમદાવાદના નાગરિકોની સક્રિય ભાગીદારીના કારણે આ વર્ષે રૂટ પરથી ઉત્પન્ન થયેલા 42 મેટ્રિક ટન કચરાનો ત્વરિત અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.
સ્વચ્છતાના આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર 22 કિમીના રૂટને 4 મુખ્ય ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. આ રૂટ પર 7 ઝોનના અધિકારીઓને સીધી જવાબદારી સોંપીને અંદાજિત 1000થી વધુ સફાઈ કર્મચારીઓ અને વર્ગ-1/2/3 ના 40થી વધુ ઉચ્ચ અધિકારીઓની એક વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી
આ ટીમો દ્વારા રથયાત્રા અગાઉ તેમજ રથયાત્રા પસાર થયા બાદ તુરંત જ રસ્તાઓની સંપૂર્ણ સફાઈ અને અલાયદી લીટર પીકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ રૂટ પર એકઠા થયેલા કચરા પૈકીના નિર્માલ્ય, ફૂલો, પ્લાસ્ટિક અને અન્ય કચરાને તબક્કાવાર એકત્ર કરીને વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર સેગ્રીગેટ (અલગ) કરવામાં આવ્યો હતો.
આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને કાફલામાં સામેલ 101 ટ્રકોમાં કચરો એકત્ર કરવા માટે થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રસ્તા પર થોડા-થોડા અંતરે 25 જેટલા ડોર ટુ ડોર વાહનો, 8 ઇ-રિક્ષા, 6 કોમ્પેક્ટર તેમજ 8 અન્ય બંદોબસ્તના વેસ્ટ કલેક્શન વાહનો અને 5 મિસ્ટ કેનન મશીનો તૈનાત કરાયા હતા, જ્યારે 6 જેટલા સ્વીપર મશીનો દ્વારા મિકેનાઇઝડ સફાઈ કરવામાં આવી હતી
ભક્તોના પરત ફર્યા બાદ તમામ ભોજનશાળા અને રસોડાવાળી જગ્યાઓને ફિનાઈલના પાણીથી ધોઈને જંતુનાશક પાવડરનો વ્યાપક છંટકાવ કરવામાં આવ્યો હતો, જે કામગીરી ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા ત્યાં સુધી સતત ચાલુ રહી હતી. આ ઉપરાંત પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં નીકળેલી વિવિધ રથયાત્રાઓમાં પણ વિભાગ દ્વારા આ જ પ્રકારે ત્વરિત સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા’ના વિષય પર આધારિત ટેબ્લો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને અનુસરીને, આ ટેબ્લો દ્વારા કચરાના વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ (Waste Segregation) અંગેની મહત્વપૂર્ણ માહિતીનું લોક જાગૃતિ અર્થે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નાગરિકોને કચરાનું યોગ્ય રીતે વર્ગીકરણ કરતા શીખવવા માટે, ચાર અલગ-અલગ રંગના ડસ્ટબિનનું નિરૂપણ કરતા ખાસ 'મેસ્કોટ' (Mascot) તૈયાર કરવામાં આવ્યા હતા. આ મેસ્કોટના માધ્યમથી કચરાને ચાર વિવિધ શ્રેણીઓમાં અલગ પાડવાની પદ્ધતિને ખૂબ જ સરળ અને આકર્ષક રીતે સમજાવવામાં આવી હતી. તેમજ બલ્ક વેસ્ટ જનરેટર્સને તેમની કાયદેસરની જવાબદારીઓ અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ચલાવવામાં આવી રહેલ કચરાને રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ (3R) ના અસરકારક જન-જાગૃતિ અભિયાન, રસ્તા પર ગમે ત્યાં કચરો ન કરવા અંગેની અપીલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કારણે જ આ વખતની રથયાત્રામાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન શક્ય બન્યું છે.
