કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાથી દૂર રહેશે ગોપાલ ઈટાલિયા? જાણો શા માટે લીધો આવો નિર્ણય?

અગાઉ ગોપાલ ઈટાલીયાએ પણ આ ખેડૂત આંદોલનને સમર્થન આપતો વીડિયો જાહેર કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 15 Jun 2026 11:55 AM (IST)Updated: Mon, 15 Jun 2026 03:21 PM (IST)
aap-gopal-italia-will-not-join-gujarat-congress-farmer-tractor-rally

Gujarat Congress Tractor March: આજે 15 જૂન, સોમવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદની શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી વિશાળ ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને આમ આદમી પાર્ટી સહિત અન્ય 23 જેટલા ખેડૂત સંગઠનોએ સમર્થન આપ્યું છે. જોકે, આ વચ્ચે ગોપાલ ઈટાલિયાનો એક ચર્ચાસ્પદ વીડિયો સામે આવ્યો છે.

ટ્રેક્ટર યાત્રા પૂર્વે MLA ગોપાલ આવ્યા લાઈવ

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોંગ્રેસની ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રા યોજાય તે પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર લાઈવ આવીને કેટલીક મહત્વની વાત કરી હતી. જેમાં એક તરફ તેમણે ખેડૂતોની માંગણી અને સમસ્યા અંગે વાત કરી. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષની રાજનીતિ અંગે પણ આકરા પ્રહાર કર્યા હતા.

ખાનગી કંપનીઓ પર કર્યા આકરા પ્રહાર

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ખેડૂતોના સળગતા પ્રશ્નો અંગે અવાજ ઉઠાવતા સરકાર અને ખાનગી કંપનીઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, પોલીસના સહારે ખાનગી કંપનીઓ દાદાગીરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં વીજ ટ્રાન્સમિશન લાઈનોના થાંભલા નાખી રહી છે.

'ટ્રેક્ટર યાત્રાથી દૂર રહીશ' - ગોપાલ ઇટાલિયા

સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપર ગામના ખેડૂતોએ આ દમનકારી નીતિ સામે સ્વયંભૂ ટ્રેક્ટર યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો, જેને ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. પરંતુ, આમ આદમી પાર્ટીના સમર્થન બાદ કોંગ્રેસના કેટલાક મિત્રોએ તેમની સામે કઠોર ટીકા-ટિપ્પણી કરી હતી.

આ અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, અમે ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના કેટલાક મિત્રોએ અમારી સામે કઠોર ટીકા-ટિપ્પણી કરી. જો તેઓ એવું ન ઈચ્છતા હોય કે અમે ખેડૂતોના મુદ્દે સહયોગ આપીએ તો પણ અમને કોઈ વાંધો નથી. ખેડૂતોનો આ મહત્વનો મુદ્દો અન્ય રાજકીય વિવાદમાં ન ફેરવાય અને મૂળ પ્રશ્ન પરથી ધ્યાન ન હટે તે માટે ખેડૂત ટ્રેક્ટર યાત્રામાં ન જોડાવવાનો નિર્ણય લીધો છે. 

ગોપાલ ઈટાલીયાનો કોંગ્રેસ પાર્ટીને પડકાર

વધુમાં કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા ગોપાલ ઈટાલીયાએ પૂછ્યું કે, ફેબ્રુઆરીના બજેટ સત્રમાં કોંગ્રેસના કેટલા ધારાસભ્યોએ ટ્રાન્સમિશન લાઈનનો મુદ્દો ઉઠાવ્યો હતો? તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન, ટૂંકી મુદતનો પ્રશ્ન, કામ રોકો દરખાસ્ત કે અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા આ મુદ્દે શું રજૂઆત કરવામાં આવી હતી? જો તેઓ ખેડૂતોની એટલી જ ચિંતા કરતા હોય તો તેમણે તેનો રેકોર્ડ જાહેર કરવો જોઈએ.

'ભાડાની પોલીસ' અને વીજકંપનીની દાદાગીરી

ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ખાનગી વીજ કંપનીઓ પોલીસને ભાડે રાખીને ખેડૂતોના ખેતરોમાં પ્રવેશ કરી રહી છે. આ 'ભાડાની પોલીસ' નો ભાંડો સૌપ્રથમ તેમણે જ વિધાનસભામાં ફોડ્યો હતો. તેમણે ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં તારાંકિત પ્રશ્ન, દરખાસ્ત અને પ્રાઈવેટ મેમ્બર બિલ એમ ત્રણ અલગ અલગ રીતે ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો.

માત્ર વળતર નહીં, ખેડૂતો માટે નવા કાયદાની માંગ

ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ સ્પષ્ટ માંગ કરી છે કે માત્ર પરિપત્ર નહીં, પરંતુ ખેડૂતોના વળતર માટે કાયદામાં સુધારો કરવાની અથવા નવો કાયદો બનાવવાની તાતી જરૂરિયાત છે. તેમની મુખ્ય માંગણી નીચે મુજબ છે:

  • વીજ કંપનીઓ થાંભલા નાખે તે પહેલા ખેડૂતોને વાંધા અરજી કરવાનો અધિકાર મળતો કાયદો હોવો જોઈએ.
  • વાંધાની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીઓ ખેતરમાં પ્રવેશ ન કરે તેવો નિયમ હોવો જોઈએ.
  • જમીન સંપાદન અને વળતર કાયદા મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે.
  • થાંભલાના કારણે જમીનની કિંમતમાં થતો ઘટાડો અને ભવિષ્યમાં જમીનના ઉપયોગ માટે મર્યાદિત થતી શક્યતાઓનું પણ માર્કેટ કિંમત મુજબ વળતર મળવું જોઈએ.

અંતમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે લડતા કોઈપણ પક્ષને તેમનો ટેકો છે, અને તેઓ ખેડૂતોના હક માટે ભવિષ્યમાં પણ વિધાનસભામાં લડત ચાલુ રાખશે.