Ahmedabad Ganesh Visarjan: અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજે ગણેશ વિસર્જનની યાત્રા શરૂ થશે, જેના સ્વાગત માટે પાલડી, જમાલપુર, ટાઉન હોલ સહિત 6 જુદા જુદા સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પરથી ગણેશ ભક્તો દ્વારા પ્રતિમાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 40 સ્થળોએ 49 વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કુંડ પર 50 ક્રેઈન, 50 જેસીબી અને 50 ટ્રક મૂકવામાં આવી છે. આ ઉપરાંત, વિસર્જન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે 190 સફાઈ કામદારો અને 250 ફાયર બ્રિગેડના જવાનોને પણ ફરજ પર તૈનાત કરાયા છે. અત્યાર સુધીમાં 6061થી વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. સૌથી વધુ વિસર્જન પશ્ચિમ ઝોનમાં (2322) અને મધ્ય ઝોનમાં (1786) નોંધાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને મૂર્તિઓનું સન્માન જળવાય તે રીતે વિસર્જન કરવાની વ્યવસ્થા ગોઠવી છે. મૂર્તિઓ પરના શણગાર, પૂજાપાનો સામાન અને ફૂલોને અલગ-અલગ ડબામાં એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ મૂર્તિઓને કુંડમાં લઈ જઈ વિસર્જન કરાશે. વિસર્જિત થયેલી મૂર્તિઓને મોટા ખાડાઓમાં માટી નાખીને નિકાલ કરવામાં આવશે.
વિસર્જન યાત્રાને કારણે કેટલાક મુખ્ય માર્ગો બંધ રહેશે અને વૈકલ્પિક રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ રોડ બંધ રહેશે
- ગીતા મંદિરથી પાલડી તરફનો રોડ.
- રાયપુર ચાર રસ્તાથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રોડ.
- વાડજ સ્મશાન ગૃહ કટથી રિવરફ્રન્ટનો પશ્ચિમ-પૂર્વ તરફનો રોડ.
વૈકલ્પિક માર્ગો
- ગીતા મંદિરથી જમાલપુર બ્રિજ થઈ પાલડી અને કોચરબ આશ્રમ જઈ શકાશે.
- કાલુપુરથી ગોમતીપુર થઈ દાણીલીમડા થઈ આશ્રમ રોડનો ઉપયોગ કરી શકાશે.