Gujarat Pakistan Border: ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કઈંક નવા જૂનીના એંધાણ છે. કારણ કે, ગુજરાતની બોર્ડર પર આવેલા ગામોની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા માટે ગુજરાત પોલીસના 10 સિનિયર આઈપીએસ અધિકારી 26 અને 27 ના રોજ મુલાકાત લેશે. જે વિસ્તારમાં આ અધિકારીઓ મુલાકાત લેવાના છે તેમા કચ્છ, વાવ,થરાદ અને પાટણનો સમાવેશ થાય છે. આ વિસ્તારના છેવાડાના બોર્ડર પર આવેલા ગામોમાં સ્થાનિક લોકોના ઘરે રાતવાસો કરશે અને સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની સમસ્યા વિશે માહિતી મેળવશે.
આ કાર્યક્રમનો ઉદેશ્ય બોર્ડરની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે
સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સીધી દેખરેખ હેઠળ આયોજીત આ સમગ્ર કાર્યક્રમનો ઉદેશ્ય આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્યીય બોર્ડરની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે. એટલું જ નહીં આનાથી છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોની મદદ કરવાનો પણ છે.
સિનિયર અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરશે
તમને જણાવી દઈએ કે, બે દિવસ ચાલનારી આ કવાયતમાં સિનિયર અધિકારીઓ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા, સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ અને જે ટુકડીઓ 24 કલાક બોર્ડ પર દેખરેખ રાખી રહી છે તે બધી ગતિવિધિઓનું નિરિક્ષણ કરશે. આ ઉપરાંત રાત્રે પણ બેઠકો કરવામાં આવશે. એટલું જ નહીં આવનારા સમયમાં કેવા પડકારો આવશે અને તેમને લઈને કેવી તૈયારીઓ કરવાની રહેશે, તેમ જ સ્થાનિક લોકો અને સેનાના જવાનોના પ્રશ્નોથી લઈને તમામ વાતો અંગે વિસ્તૃત ચર્ચા થશે.
અમદાવાદમાં યોજાઈ હતી હાઈલેવલ બેઠક
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ફોર ટીયર સિક્યુરિટી ગ્રિડના વિઝનને આગળ વધરાવા આ કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામોની સુરક્ષામાં કોઈ કસર બાકી ન રહે. તમને જણાવી દઈએ કે, આ પહેલ આધુનિક અને ટેકનોલોજી-આધારિત ફેશિંગ દ્વારા બોર્ડરની સર્વગ્રાહી સુરક્ષા નક્કી કરવાના પીએમ મોદીના સંકલ્પને અનુરૂપ છે.
આ બે દિવસીય મુલાકાત દરમિયાન અધિકારીઓ સ્થાનિક ગામના લોકો સાથે સંવાદ કરશે. તેઓ રાત્રે મિટિંગો યોજીને સરહદ પર રહેતા લોકોને પડતી મુશ્કેલીઓ, અન્ય કોઈ સુરક્ષા સંબંધિત સવાલો અને સ્થાનિક સ્તરે જરૂરી વ્યવસ્થાઓ અંગે જરુરી માહિતી એકત્ર કરશે અને પછી રિપોર્ટ તૈયાર કરશે. નોંધનિય છે આ મુલાકાતના પરિણામોના અનુસંધાને સરહદી વિસ્તારોની સુરક્ષા અને વિકાસ માટે આગામી સમયમાં કેવા કેવા આયોજન કરવા તે અંગે એક રોડ મેપ તૈયાર કરવામાં આવશે.
