'તું મારી નહીં તો કોઈની નહીં થાય' કહી પ્રેમીએ 15 વર્ષીય સગીરાની હત્યા કરી, આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન

ફતેપુરાના જગોલા ગામે ફોન વ્યસ્ત આવવાની શંકા રાખી પ્રેમીએ 15 વર્ષીય સગીરાની દુપટ્ટાથી ગળું ઘૂંટી નિર્દયતાથી હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 08:31 AM (IST)Updated: Tue, 03 Nov 2026 08:31 AM (IST)
fatepura-murder-case-minor-girl-killed-by-lover-shailesh-pargi-jagola-village

Dahod Murder Case: રાજસ્થાન અને ગુજરાતની સરહદ નજીક આવેલા ફતેપુરા તાલુકાના જગોલા ગામે એક હચમચાવનારી ઘટના સામે આવી છે. ફોન વ્યસ્ત આવવાની સામાન્ય શંકાને કારણે એક પ્રેમીએ પોતાની જ સગીર પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને સમાજ સમક્ષ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

શું છે સમગ્ર ઘટના

પ્રાપ્ત વિગત અનુસાર, રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરી તાલુકાના ફલવા ગામે રહેતી 15 વર્ષીય સગીરા કેતનબેન જયંતીલાલ ગરાસિયાને તેના જ ગામના શૈલેષભાઈ શામજીભાઈ પારગી સાથે પ્રેમસંબંધ હતો. પરિવારની જાણ બહાર બંને અવારનવાર મળતા હતા. ગત તા. 26 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે શૈલેષના બોલાવવાથી કેતનબેન ફતેપુરાના જગોલા ગામે ડુંગર પર આવેલી ત્રણ બાણની જગ્યાએ તેને મળવા પહોંચી હતી.

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

આ મુલાકાત દરમિયાન શૈલેષે સગીરાને "તારો ફોન સતત વ્યસ્ત કેમ આવે છે?" તેવું પૂછીને ખોટો શંકા-વહેમ રાખ્યો હતો. ગુસ્સામાં આવીને તેણે "તું મારી નહીં તો કોઈની નહીં થાય" તેમ કહી સગીરાના જ દુપટ્ટાથી તેનું ગળું ઘૂંટીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે સગીરાના મૃતદેહને નજીકના એક કૂવામાં ફેંકી દીધો હતો અને દુપટ્ટાનો બાકીનો ભાગ સળગાવી દીધો હતો.

સગીરાના પિતાએ નોંધાવી ફરિયાદ

શરૂઆતમાં પોલીસ ચોપડે આ મામલો અકસ્માત મોતનો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં આ એક હત્યા હોવાનું બહાર આવ્યું. મૃતક સગીરાના પિતા જયંતીલાલ ગરાસિયાની ફરિયાદના આધારે ફતેપુરા પોલીસે આરોપી શૈલેષ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

આ કરુણ ઘટના આજના આધુનિક યુગમાં માતા-પિતા માટે ગંભીર ચેતવણી સમાન છે. આજના ડિજિટલ યુગમાં સંતાનોને મોબાઈલ ફોન આપતી વખતે વિશેષ કાળજી રાખવી અનિવાર્ય છે. સગીર વયના સંતાનો મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે અને રાત્રિના સમયે તેઓ ઘરમાં છે કે નહીં તેની સતત દેખરેખ રાખવી જરૂરી છે.