ઉપરવાસમાં ભારે વરસાદથી દાહોદના 3 મુખ્ય ડેમ છલોછલ: કાળી-2 ડેમ 99 % અને ઉમરીયા ડેમ 25 સેમી ઓવરફ્લો થતાં તંત્ર સતર્ક

દાહોદ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કાળી-2, માછણ અને ઉમરીયા ડેમ છલોછલ ભરાયા. ખેડૂતોમાં ખુશીની લહેર અને તંત્ર એલર્ટ. જુઓ તમામ અપડેટ્સ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 10:27 AM (IST)Updated: Wed, 16 Sep 2026 10:27 AM (IST)
dahod-dams-overflow-kali-2-umariya-machhan-heavy-rain

Dahod Dam Overflow: દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક ધીમી તો ક્યાંક ભારે ધારે વરસી રહેલા વરસાદને પગલે જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે કાળી-2, માછણ અને ઉમરીયા ડેમમાં જળસપાટી ભયજનક અને મહત્તમ સ્તરે પહોંચી જતાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે, જ્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ જથ્થો સંગ્રહિત થતાં પંથકના ધરતીપુત્રો અને ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે.

કાળી ડેમ-2 99 ટકા ભરાઈ ગયો

જિલ્લાના કાળી-2 ડેમની મહત્તમ સપાટી 257 મીટર છે, જેની સામે હાલમાં પાણીની સપાટી 256.90 મીટરે પહોંચી ગઈ છે. આ સાથે કાળી-2 ડેમ 99.38% જેટલો ભરાઈ ચૂક્યો છે. તેવી જ રીતે માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.45 મીટરની સામે હાલમાં 277.20 મીટર સુધી પાણી પહોંચી જતાં ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 92.16% સુધી ભરાઈ ગયો છે. આ બંને ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઉપલબ્ધ થતાં આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.

ઉમરીયા ડેમ ઓવરફ્લો થયો

બીજી તરફ, લીમખેડા તાલુકાની જીવાદોરી સમાન ગણાતો ઉમરીયા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પડેલા 60 મીમી વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. 280 મીટરની મહત્તમ ક્ષમતા ધરાવતો આ ડેમ ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ છલકાવાનું શરૂ થયો હતો. બપોરના આંકડા મુજબ ડેમ 25 સેન્ટીમીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. હાલમાં ઉમરીયા ડેમમાં 688 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે અને તેની સામે તેટલો જ 688 ક્યુસેક જળજથ્થો બહાર વહી રહ્યો છે.

રવિ સીઝન માટે સિંચાઈની ચિંતા દૂર થઈ

જિલ્લાના તમામ નાના-મોટા ડેમોમાં પાણીની આટલી મોટી આવક થવાથી આગામી રવિ સીઝન માટે સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ છે. પીવા તેમજ ખેતી માટે વર્ષભર પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.