MaJaNiWedding: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લવબર્ડ્સ અને અનેક ફિલ્મોમાં કપલની ભૂમિકા ભજવનાર અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મલ્હાર અને પૂજાએ પોતાના ફેન્સ માટે લગ્નને #MaJaNiWedding નામ આપ્યું છે. જેમાં લગ્નની તૈયારીથી માંડીને તમામ વિધિઓ દર્શાવવામાં આવી રહી છે.
ઈન્સ્ટાગ્રામ પર મલ્હાર ઠાકરની ફેનક્લબ (@malhar_thakar_fc) નામના પેજ પર મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નની તમામ વિધિની તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.
એક વીડિયોમાં પૂજા જોશીએ પાનેતર પહેર્યું છે, જ્યારે મલ્હાર ઠાકર ક્રિમ કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. લગ્નના મંડપના બન્નેના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી જોઈ શકાય છે. લગ્નની વિધિ અગાઉ સંગીત સંધ્યા, મહેંદી સેરેમની અને હલ્દી સેરેમની પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક દિગ્ગજ કલાકારોએ હાજરી આપી હતી. આજે લગ્ન સમારંભ બાદ આવતીકાલે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, મલ્હાર ઠાકર મૂળ સિદ્ધપુરના વતની છે, પરંતુ કામ સબબ તેઓ વર્ષોથી અમદાવાદ રહે છે. જ્યારે અભિનેત્રી પૂજા જોશી મુંબઈમાં રહે છે. જો કે ગુજરાતી ફિલ્મોમાં કામ માટે પૂજા જોશી અવારનવાર ગુજરાતમાં આવતી રહે છે. મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ કોરોના કાળ દરમિયાન 'વાતવાતમાં' નામની વેબસિરીઝ કરી હતી. આ દરમિયાન તેઓ એકબીજાના નિકટ આવ્યા હતા. આ સિવાય પણ મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ 'વીર ઈશાનું શ્રીમંત' અને 'લગ્ન સ્પેશિયલ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.