Maharashtra Assembly Election: અત્યારે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે, ત્યારે ભાજપ દ્વારા આગામી દિવસોમાં આવનારી મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બૉલિવૂડના જાણીતા ગીતકાર મનોજ મુન્તશીર (Manoj Muntashir) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓ સાથે એકથી વધુ વખત મુલાકાત કરી ચૂક્યા છે.
હકીકતમાં દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં ઉત્તર ભારતીય મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે. અનેક વિધાનસભા બેઠકોમાં ઉત્તર ભારતીયોના વૉટ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. એકસમયે ઉત્તર ભારતીયો કૉંગ્રેસની વૉટબેંક મનાતી હતી, પરંતુ 2014માં રાષ્ટીય રાજકારણમાં મોદીની લહેર બાદ ઉત્તર ભારતીયો ભાજપ તરફ વળ્યા હતા.
જો કે થોડા સમય પહેલા જ સંપન્ન થયેલી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આ ઉત્તર ભારતીય વૉટબેંકમાં વિભાજન જોવા મળ્યું હતુ.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના ઉત્તર પ્રદેશ માટેના PDA (પછાત, દલિત અને અલ્પ સંખ્યક) સમીકરણની અસર મુંબઈમાં પણ જોવા મળી હતી. મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ તો પાર્ટીના 37 સાંસદોને મુંબઈમાં આમંત્રણ આપીને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
બીજી તરફ ભારત પાસે મુંબઈમાં કોઈ એવો ઉત્તર ભારતીય ચહેરો નથી, જેને ચહેરાને આગળ ધરીને ઉત્તર ભારતીય મતદારોને પોતાની તરફ ખેંચી શકાય. અત્યારે ભાજપ પાસે જે ઉત્તર ભારતીય મોટા ચહેરા છે, તે મોટાભાગના કોંગ્રેસી મૂળના છે અથવા તો તેઓ નવી પેઢીને આકર્ષી શકે તેમ નથી.
જ્યારે મનોજ શુકલા ઉર્ફે મનોજ મુન્તશીર મૂળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગૌરીગંજ તાલુકાના વતની છે અને હાલ તેઓ મુંબઈના વર્સોવામાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં જ મનોજ મુન્તશીરે મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર, રાજ્ય સરકારના મંત્રી સુધીર મુનગંટીવાર અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી છે.
આજે બપોર બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ જ્યારે મનોજ મુન્તશીરને ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ભાજપનું DNA પોતાને શુટ કરતો હોવાનું જણાવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે રામના ભજનો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા હતા. તે સમયે વડાપ્રધાન મોદીએ પણ મનોજ મુન્તશીર દ્વારા લખવામાં આવેલ અને જુબિન નોટિયાલના સ્વરમાં સ્વરબદ્ધ 'મેરે ઘર રામ આયે હૈ' ગીતને શેર કર્યું હતુ.
