મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ? શરદ પવારને મળવા હોસ્પિટલ પહોંચ્યા પ્રફુલ્લ પટેલ, 10 નવેમ્બર પછી બેઠકના સંકેત

પ્રફુલ્લ પટેલે આ મુલાકાત પાછળના કોઈ રાજકીય હેતુને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે તેમના અને પવાર પરિવાર વચ્ચે વર્ષો જૂના પારિવારિક સંબંધો છે અને તેઓ સમય-સમય પર શરદ પવારને મળતા રહે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 06 Nov 2026 12:38 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:38 PM (IST)
praful-patel-meets-sharad-pawar-breach-candid-hospital-maharashtra-ncp-politics
શરદ પવાર પ્રફુલ પટેલ મીટિંગ

Sharad Pawar Praful Patel Meet: મહારાષ્ટ્રની રાજનીતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથો વચ્ચે ફરી એકવાર સુલેહ-શાંતિ થવાની અટકળો અને ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ ગુરુવારે મોડી રાત્રે NCP (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારના ખબરઅંતર પૂછવા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ અણધારી મુલાકાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

જોકે, પ્રફુલ્લ પટેલે આ મુલાકાત પાછળના કોઈ રાજકીય હેતુને ફગાવતાં સ્પષ્ટતા કરી હતી કે તેમના અને પવાર પરિવાર વચ્ચે વર્ષો જૂના પારિવારિક સંબંધો છે અને તેઓ સમય-સમય પર શરદ પવારને મળતા રહે છે.

બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે શરદ પવાર

ઉલ્લેખનીય છે કે, 85 વર્ષીય દિગ્ગજ નેતા શરદ પવારની તબિયત લથડતાં પ્રથમ તેમને પુણેના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી રજા મળ્યા બાદ ફરી સ્વાસ્થ્ય બગડતાં તેમને વધુ સારવાર અને નિયમિત મેડિકલ ચેકઅપ માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

10 નવેમ્બર પછી થશે મહત્વની વાતચીત?

હોસ્પિટલમાં શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે આશરે દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. સામે આવેલા વીડિયોમાં શરદ પવાર 10 નવેમ્બર પછી શાંતિથી બેસીને ચર્ચા કરવાનું કહેતા સંભળાય છે, જેના જવાબમાં પ્રફુલ્લ પટેલ જણાવે છે કે તેઓ 10 તારીખ પછી મુંબઈમાં જ હાજર રહેશે અને વાતચીત માટે તૈયાર છે. 10 નવેમ્બરની આ પ્રસ્તાવિત બેઠકનો મુખ્ય એજન્ડા શું હશે તે અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી, પરંતુ રાજકીય નિષ્ણાતો તેને એનસીપીના એકીકરણ તરફનું પગલું માની રહ્યા છે.

અરુણ જેટલી સેન્ટર/દિલ્હીમાં અમિત શાહ સાથે બેઠક બાદ ચર્ચા વધી

અગાઉ રવિવારે પ્રફુલ્લ પટેલ અને અજિત પવાર જૂથના કેટલાક વરિષ્ઠ નેતાઓએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. તે બેઠકે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે સસનાટી મચાવી હતી. ખાસ વાત એ હતી કે ગૃહમંત્રી સાથેની એ બેઠકમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ સુનેત્રા પવાર કે તેમના પુત્રો પાર્થ અને જય પવાર હાજર નહોતા. ત્યારબાદ તરત જ શરદ પવાર સાથેની આ મુલાકાતે મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો બદલાવાના સંકેત આપ્યા છે.