Vande Bharat Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે સાંજે સવા 4 વાગ્યાની આસપાસ તેમણે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી દેખાડીને વારાણસીના કેન્ટ સ્ટેશનથી 20 કોચ ધરાવતી દેશની સૌથી લાંબી સેમી હાઈસ્પીડ 'વંદે ભારત' ટ્રેનને રવાના કરી હતી. આ ટ્રેન તેના નિર્ધારિત આગરા જવાના રૂટ પર આવતા ઈટાવા સ્ટેશન પર થોભી હતી. જ્યાં ઈટાવા સદરના ધારાસભ્ય સરિતા ભદૌરિયા ટ્રેનનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ પર ધક્કામુક્કી થતાં તેઓ રેલવે ટ્રેક પર પટકાયા હતા.
હકીકતમાં ધારાસભ્ય સરિતા ભદૌરિયા ઈટાવા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. તેઓ પ્લેટફોર્મ પર ઉભા રહીને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી રહ્યા હતા. આ દરમિયાન ધક્કા-મુક્કી થતાં સરિતા ભદૌરિયા રેલવે ટ્રેક પર પટકાયા હતા. આ દરમિયાન ટ્રેન ત્યાં જ ઉભી હતી.
ભાજપના મહિલા ધારાસભ્ય પાટા પર પટકાતા જ ટ્રેનના લોકો પાયલટે હોર્ન વગાડ્યો હતો. જો કે આ સમયે પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય નેતાઓએ લોકો પાયલટને ટ્રેન થોભાવવા માટે ઈશારો કર્યો હતો. જે બાદ પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય નેતાઓ પાટા પર કૂદી પડ્યા હતા અને મહિલા ધારાસભ્યને પકડીને ઉપર ચડાવ્યા હતા. સદ્દનસીબે મહિલા ધારાસભ્યને વધારે ગંભીર ઈજા નથી થઈ.
જણાવી દઈએ કે, આગરા-વારાણસી રૂટ પર શુક્રવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. જે 7 કલાકમાં પોતાની સફર પુરી કરશે. આ ટ્રેન શરૂ થવાથી આગરા, વારાણસી અને ઈટાવા સહિત આસપાસના જિલ્લાના નાગરિકોને મોટો ફાયદો થશે. જ્યારે મુસાફરો પણ નરેન્દ્ર મોદીની આ પહેલને વખાણી રહ્યા છે.
