Jay Vasavada On Kinjal Dave Engagement: ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા જ હોબાળો મચ્યો છે. આ મામલે ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા બેઠક કરીને કિંજલ દવે અને તેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ બાબતની જાણ થતાં ખુદ કિંજલ દવેએ ઈન્સ્ટાગ્રામમાં વીડિયો મૂકીને કહેવાતા સમાજના ઠેકેદારોને આડેહાથ લીધા હતા. જે બાદ હવે જાણીતા ગુજરાતી લેખક જય વસાવડાએ પણ કિંજલ દવેને સમર્થન કર્યું છે.
જય વસાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો મૂકીને જણાવ્યું છે કે, ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેની જૂની સગાઈ તૂટી પછી તે બિઝનેસમેન ધ્રુવિન શાહના પ્રેમમાં પડી અને સગાઈ કરી, તે સાથે જ તેમને નાત બહાર કરવામાં આવ્યા હોવાની જાણ થઈ છે. 21મી સદીના 25 વર્ષ થયા પછી પણ સમાજમાં આવું થાય, તે શરમજનક છે. બ્રાહ્મણ સમાજમાં આવી બધી સંકુચિતતા ક્યાંથી આવી.
મારા પોતાના પરિવાર તેમજ અનેક મિત્રોના પરિવારોમાં બ્રાહ્મણ દીકરા-દીકરીઓએ અન્ય જ્ઞાતિઓમાં પ્રેમલગ્ન કરેલા જ છે, પરંતુ તેમને કોઈએ રોક્યા નથી. હવે સમાજની ઠેકેદારીની, સનાતન અને હિન્દુ એકતાની વાતો કરવી છે. આપણા શાસ્ત્રોમાં તો એવું ક્યાંય લખ્યું જ નથી કે, આંતરજ્ઞાતિય લગ્નો ના કરવા, તો પછી હિન્દુ સમાજ આંતરજ્ઞાતિય લગ્નોથી ભડકે છે કેમ?
ભારતએ શરિયા પર ચાલતો દેશ નથી. આપણો દેશ બંધારણ પર ચાલે છે, જે સૌ કોઈને સમાનતાનો હક્ક આપે છે. જીવનસાથીની પસંદગી કરવાનો મૂળભૂત હક્ક છે. માણસે પોતે કોઈની સાથે જીવવું તે સમાજ શું કામ નક્કી કરે?
આંતરજ્ઞાતિય લગ્નનું સમર્થન કરતાં લેખકે જણાવ્યું કે, હું પોતે એક આંતરજ્ઞાતિય લગ્નનું સંતાન છું. બધા આંતરજ્ઞાતિય લગ્ન નિષ્ફળ જાય અને તેમના સંતાનો આગળ ના વધે તેવું નથી. આ ખૂબ મોટી માન્યતા છે. હકીકતમાં તો માતા-પિતા દ્વારા ગોઠવવામાં આવેલા લગ્નોમાં જ છૂટાછેડા વધારે થતા હોય છે. આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કોઈ ગુનો કે પાપ નથી, પરંતુ બંધારણ મુજબ તો તેનો વિરોધ કરવો જ ગુનો બને છે.
કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈથી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ નારાજ
ગત 6 ડિસેમ્બરના રોજ કિંજલ દવેએ Jo-Jo એપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સમયે મોટાભાગના લોકોએ કિંજલ દવેને શુભેચ્છા પાઠવી હતી. જો કે કાંકરેજના શિહોરી ખાતે ગઈકાલે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરી હોવાથી તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત કિંજલ દવે અને તેના પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આટલું જ નહીં, જો કોઈ કિંજલ દવે કે તેમના પરિવારને પોતાના પ્રસંગમાં આવકારશે તો તેમના સામે પણ પગલા લેવાનો નિર્ણય લેવાયો છે.
