Laalo Krishna Sada Sahayate: 'લાલો'નો લંડનમાં ડંકો, હેરો શહેરના મેયર ફિલ્મ જોઈ ગદ્દગદ્દ, બોલ્યા-'આ ચમત્કાર જ છે, જય શ્રી કૃષ્ણ'

લંડનમાં પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મનું રેકોર્ડ બ્રેક કલેક્શન. બૉલિવૂડની મલ્ટીસ્ટાર ફિલ્મ 'દે દે પ્યાર દે'ને લંડનના થિયેટરમાં માત્ર 3 જ શૉ મળ્યા, જ્યારે 'લાલો' ફિલ્મને 7 શૉ ફાળવાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 16 Nov 2025 11:51 PM (IST)Updated: Mon, 17 Nov 2025 12:13 PM (IST)
its-a-realy-miracle-jai-shri-krishna-says-harrow-mayor-after-watch-gujarati-film-laalo-krishna-sada-sahaayate
HIGHLIGHTS
  • સાવ ઓછા બજેટમાં મેકર્સે આટલી અદ્દભૂત ફિલ્મ બનાવી છે, જય જય ગરવી ગુજરાત
  • ફિલ્મ રિલીઝ થયાં પછી શ્રી કૃષ્ણના આશીર્વાદ મળતા બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે

Laalo Krishna Sada Sahayate: હાલમાં એક ગુજરાતી ફિલ્મ ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે’ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મના જોઈને આવનારા દર્શકો થિયેટરની બહાર આવતાની સાથે જ ‘જય દ્વારકાધીશ’ બોલી રહ્યા છે. અને ફિલ્મને લઈ ખુબ જ સારા રિવ્યૂ પણ આપી રહ્યા છે.

હાલના દિવસોમાં એક ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' બોક્સ ઑફિસ પર તો ધૂમ મચાવી જ રહી છે, પરંતુ આ સાથે જ ફિલ્મ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ઑસ્ટ્રેલિયા, કેનેડા અને લંડન જેવા દેશોમાં જ્યાં-જ્યા ગુજરાતીઓ રહે છે, તેઓ પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

જો લંડનની વાત કરીએ તો, 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મ અંગ્રેજોના આ દેશમાં પણ ધૂમ મચાવી રહી છે. હાલના દિવસોમાં લંડનના થીયેટરોમાં ગુજરાતી ફિલ્મ 'લાલો' સિવાય અન્ય બૉલિવૂડ ફિલ્મો પણ ચાલી રહી છે. આમ છતાં આ ફિલ્મને પ્રેક્ષકોનો અદ્દભૂત આવકાર મળી રહ્યો છે.

લંડનના હેરો ટાઉનના થીયેટરમાં અત્યારે અજય દેવગન, રકુલપ્રિત સિંહ, તબ્બુ અને આર માધવનની બોલિવૂડ મલ્ટી સ્ટાર મૂવી 'દે દે પ્યાર દે-2' પણ રિલીઝ થઈ છે. જો કે બૉલિવૂડના ધુરંધરો ધરાવતી આ ફિલ્મને થિયેટરમાં માત્ર દિવસના 3 જ શૉ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતી ફિલ્મ 'લાલો'ને દિવસના 7 શૉ ફાળવવામાં આવ્યા છે. આટલું જ નહીં, 'લાલો' ફિલ્મ વિદેશની ધરતી પર રેકોર્ડ બ્રેક કલેક્શન પણ કરી રહી છે.

ખુદ હેરો શહેરના મેયર અંજના પટેલ પણ આ ફિલ્મ નિહાળવા આવ્યા હતા. આ ફિલ્મ જોયા પછી મેયર ખુદ ગદ્દગદ્દ થઈ ગયા હતા. આ ફિલ્મ પત્યા પછી મેયરે જણાવ્યું કે, અહીં મોટાભાગના ગુજરાતીઓ જ છે, તો આ ફિલ્મ આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય. જય જય ગરવી ગુજરાત.

વધુમાં મેયરે ઉપસ્થિત સૌ કોઈને જય શ્રી કૃષ્ણ સાથે જણાવ્યું કે, આ એક ગુજરાતી મુવી છે, એટલે મારે ગુજરાતીમાં જ વાત કરવી છે. આમ પણ અહીંયા પહેલી વખત કોઈ આવી ફિલ્મ બનાવી છે.

આપણે સૌ કોઈએ આવી કોઈ ફિલ્મ બનાવે, તો તેમને સપોર્ટ કરવો જોઈએ. તેમણે કેવી પરિસ્થિતિમાં આ ફિલ્મ બનાવી હશે. સાવા ઓછા બજેટમાં આ લોકોએ આટલી સરસ ફિલ્મ બનાવી તે એક ચમત્કાર જ છે. આપણી સંસ્કૃતિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. આ ફિલ્મ થકી એક માધ્યમ આપણને પહેલી વખત મળ્યું છે, તો આપણે એનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ.

જણાવી દઈએ કે, જૂનાગઢની પૃષ્ઠભૂમિમાં સાકાર થતી ભગવાન કૃષ્ણની ભક્તિરસથી ભરપુર 'લાલો' ફિલ્મ ગત 10 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જો કે શરૂઆતના એકાદ-બે અઠવાડિયા આ ફિલ્મને સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ પછીથી શ્રીકૃષ્ણના આશીર્વાદ મળ્યા હોય, તેમ આ ફિલ્મ બોક્સ ઑફિસ પર બૂમ પડાવી રહી છે.

સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મ ટ્રેન્ડિંગ ટૉપિક બની ગઈ છે. જે લોકો આ ફિલ્મ જોઈને આવે છે, તેઓ પણ અન્ય લોકોને આ ફિલ્મ અચૂક જોવા માટે વિનંતી કરી રહ્યા છે. આ સિવાય ગુજરાતી ફિલ્મોના જ નહીં, પરંતુ બૉલિવૂડ ફિલ્મોના વિવેચકો અને રિવ્યૂ કરનારા પણ આ ફિલ્મને એકસુરે વખાણી રહ્યા છે.