Laalo Krishna Sada Sahayate: ગત 10 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'લાલોઃ કૃષ્ણ સદા સહાયતે' બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે. બૉલિવૂડ અને સાઉથ ફિલ્મોની સામે આ ગુજરાતી ફિલ્મ આજે પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા કટાર લેખક જય વસાવડાએ (Jay Vasavada) પણ આ ફિલ્મના ભરપુર વખાણ કર્યાં છે.
જય વસાવડાએ જણાવ્યું કે, જેમ હિન્દી ફિલ્મોની વાત આવે ત્યારે 'શોલે'નું નામ અચૂક લેવાય છે. તેમ જ્યારે પણ ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ લખાશે, ત્યારે 'લાલો' ફિલ્મનું નામ તેમાં અચૂક રહેશે. આ સાથે જ તેમણે 'લાલો' ફિલ્મ ના જોઈ હોય, તેમને આ ફિલ્મ જોવા માટેની અપીલ કરી છે.
ગુજરાતભરમાં ધૂમ મચાવી રહેલી 'લાલોઃ કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મ હવે વિદેશોમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ 14 નવેમ્બરે કેનેડા અને પછી ઓસ્ટ્રેલિયામાં રિલીઝ થશે.
ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક્સપર્ટો પણ 'લાલો'ના પ્રદર્શનથી અવાચક
આ ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે શરૂઆતના ત્રણેક અઠવાડિયામાં જોઈએ તેટલા દર્શકો જ નહતા મળતા. જો કે ચોથા અઠવાડિયાથી ફિલ્મ ઉપડી અને કમાણીમાં એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. હાલ પાંચમા અઠવાડિયામાં પણ ફિલ્મની કમાણી અને દર્શકોના મળી રહેલો પ્રેમ જોઈને ફિલ્મ જગત સાથે સંકળાયેલા વિવેચકો અને એક્સપર્ટો પણ અચરજ પામી રહ્યા છે કે, શું ખરેખર આ ફિલ્મ પર ભગવાન કૃષ્ણના આશીર્વાદ વરસી રહ્યા છે કે કેમ?
મુશ્કેલ સ્થિતિમાં ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે સહાય કરવા પહોંચે છે
આ ફિલ્મ નિહાળી ચૂકેલા એક દર્શકે જણાવ્યું કે, હું 'લાલો' ફિલ્મ જોઈને ખરેખર અભિભૂત થયો છે. મારી પાસે આ ફિલ્મનું વર્ણન કરવા માટે ખાસ શબ્દો જ નથી. જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ, ત્યારે ઈશ્વર આપણને સહાય કરવા માટે કોઈને કોઈ સ્વરૂપે પહોંચે જ છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. બસ આ ફિલ્મ જોતા જ આંખમાં આંસુ આવી ગયા અને પતી પછી મંદિરમાં જઈને ભગવાન સમક્ષ શીશ ઝૂકાવ્યું.
