કિંજલ દવેની સગાઈ વિવાદમાં અત્યાર સુધી ચૂપ રહેલા પિતાનો આખરે વિરોધીઓને સણસણતો જવાબ- 'અમારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી'

અમારી કોઈ ફરિયાદ નથી. જે લોકો અમારા લાયક નથી, તેઓ મહેરબાની કરીને અમારાથી દૂર જ રહે. અમે તો અમારી દુનિયામાં મસ્ત છીએ: લલિત દવે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Dec 2025 04:48 PM (IST)Updated: Fri, 19 Dec 2025 04:48 PM (IST)
gujarati-singer-kinjal-dave-engagement-controversy-father-lalit-dave-finally-breaks-silence
HIGHLIGHTS
  • લલિત દવેએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટીક પોસ્ટ મૂકી છે

Kinjal Dave Engagement Controversy: ગુજરાતી 'ગરબા ક્વિન' કિંજલ દવે દ્વારા આંતરજ્ઞાતિય યુવક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરવામાં આવી છે. જેના પગલે બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ મામલે ખુદ કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં આવીને પોતાના પરિવારનો બહિષ્કાર કરનારા સમાજના આગેવાનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે આ મામલે અત્યાર સુધી ચુપ રહેલા કિંજલ દવેના પિતાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાના વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે.

હકીકતમાં કિંજલ દવેના પિતા લલિત દવે દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટીક પોસ્ટ મૂકવામાં આવી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, અમારી કોઈ ફરિયાદ નથી. જે લોકો અમારા લાયક નથી, તેઓ મહેરબાની કરીને અમારાથી દૂર જ રહે. અમે તો અમારી દુનિયામાં જ મસ્ત છીએ. અમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.

પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ કિંજલ દવેના પરિવારથી નારાજ
હકીકતમાં કિંજલ દવેએ બ્રહ્મ સમાજની બહારના યુવક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી તે સાથે જ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં તેમણે કિંજલ દવેના આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

આટલું જ નહીં, કિંજલ દવે અને તેના પરિવારને આજીવન બ્રહ્મ સમાજમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. તેમજ સમાજના લગ્નો કે પ્રસંગોમાં જો કોઈ કિંજલ દવેના પરિવારને આમંત્રણ આપે તો તેમની સામે પણ પગલા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મારા પિતા પર વાત આવશે તો હું કોઈને નહીં છોડું: કિંજલ દવે
ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા દવે પરિવારને નાત બહાર કરવાના ફતવા બાદ કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં વીડિયોના માધ્યમથી સમાજના ઠેકેદારોને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. જેમાં કિંજલ દવેએ જણાવ્યું કે, મારા પિતાના સ્વાભિમાન પર વાત આવી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન નથી થતું. આધુનિક જમાનામાં પણ કેટલાક અસામાજિક તત્વો દીકરીઓ માટેના નિયમો નક્કી કરવા નીકળી પડ્યા છે.

દીકરીઓને ઉડવા માટે પાંખો મળી છે, પરંતુ અહીં તો તેને કાપવાની વાત થઈ રહી છે. શું બે-ચાર અસામાજિક તત્વો નક્કી કરશે કે, દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે? એક દીકરીને પોતાનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો સહેજ પણ અધિકાર નથી. આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો હવે.

કિંજલ દવે દ્વારા કહેવાતા સમાજના ઠેકેદારોને કડક શબ્દોમાં જવાબ આપવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયામાં તેમને લોકોનું ભરપુર સમર્થન મળ્યું હતુ. ગુજરાતની જાણીતી સેલિબ્રિટીઓએ પણ કિંજલ દવે અને તેમના પરિવારનો સાથ આપ્યો હતો.