Kinjal Dave Engagement: ગુજરાતી 'ગરબા ક્વિન' તરીકે જાણીતી કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતા નારાજ થયેલા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા તેમના પરિવારનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે કિંજલ દવે વીડિયો સંદેશ થકી પોતાના પરિવારનો વિરોધ કરનારા લોકોને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. જે બાદ કિંજલ દવેના પિતા પણ મેદાનમાં આવી ગયા હોય તેમ એક પછી એક પોસ્ટ દ્વારા વિરોધીઓને આડેહાથ લઈ રહ્યા છે.
દરેક દીકરીને તમારા જેવા પિતા મળે, તમારે કોઈને જવાબ આપવાની જરૂર નથી
હકીકતમાં કિંજલ દવેના પિતા લલિત દવેએ ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે લખાણ લખ્યું હતું કે, અમે તો અમારી દુનિયામાં મસ્ત છીએ. જે લોકો અમારા લાયક નથી, તેઓ મહેરબાની કરીને અમારાથી દૂર જ રહે. અમારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી.
આ પોસ્ટ વાયરલ થતાં જ લલિત દવેને પણ લોકોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ. જેમાં યુઝર્સે કોમેન્ટમાં લખ્યું હતું કે, સર (લલિત દવે) તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ પિતા છો. તમારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. જ્યારે એન્ય એક યુઝર્સે લખ્યું કે, દરેક દીકરીને તમારા જેવા જ પિતા મળવા જોઈએ.
અમારો સમય આવવા દો, બધુ જ ભગવાન ભરોસે નહીં છોડીએ
આજે પણ લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસમાં એક પોસ્ટ મૂકી છે. જેમાં આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજની તસવીર છે. આ સાથે જ હિન્દીમાં એક ક્વોટ ટાંકવામાં આવ્યો છે. જેનો ભાવાનુવાદ આ પ્રમાણે થાય છે કે, તકલીફ આપ્યા પછી વ્યક્ત કરવામાં આવતો પ્રેમ અને અવગણ્યા પછી વ્યક્ત કરવામાં આવતી અગત્યતાની કોઈ કિંમત નથી હોતી.

આ સાથે જ નીચે પોસ્ટમાં વિરોધીઓને ચેતવણીના સુરમાં લખ્યું છે કે, બધુ જ ભગવાન ભરોસે નહીં છોડીએ. જેમણે અમારું ખરાબ કર્યું છે, એનો અમે બદલું આપીશું. અમારો સમય આવવા દો લાલા. જેણે જે કર્યું હોય તેટલી તૈયારી રાખજો. જય ચેહર સરકાર જેસંગપરા
જણાવી દઈએ કે, ગત 6 ડિસેમ્બરના રોજ ગુજરાતી સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને Jo-Jo એપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી. જે બાદ કાંકરેજના શિહોરી ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં બીજા સમાજના યુવક સાથે સગાઈ કરનાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
