'દુનિયા છે વાતો કરશે..પરવા નહીં કરવાની'- બ્રહ્મ સમાજના બહિષ્કાર વચ્ચે કિંજલ દવેએ પોતાના ગીત થકી વિરોધીઓની બોલતી બંધ કરી

કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસમાં 4 વર્ષ જૂના ગીત 'જીવી લે'ની કેટલીક ચોક્કસ પંક્તિઓ જ મૂકી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Dec 2025 09:02 PM (IST)Updated: Sat, 27 Dec 2025 09:02 PM (IST)
entertainment-news-kinjal-dave-responded-to-her-opponents-with-her-song-jivi-le-on-insta-status
HIGHLIGHTS
  • કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતાં બ્રહ્મ સમાજે તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે
  • અગાઉ કિંજલ દવેએ વીડિયો સંદેશ થકી પોતાના વિરોધીઓને રોકડું પરખાવી દીધું હતુ

Entertainment News: ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી તે સાથે જ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક બોલાવી હતી. જેમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આવા તત્વોને જડબાતોડ જવાબ આપ્યો હતો. એવામાં આજે કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર એક ગીત મૂકીને પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે.

જિંદગી તો મોજથી જીવવાની…
હકીકતમાં કિંજલ દવે પોતાના જ ચાર વર્ષ જૂના આલ્બમ 'જીવી લે..!'નું એક ગીત ઈન્સ્ટાગ્રામ સ્ટેટસમાં મૂક્યું છે. ખાસ વાત એ છે કે, કિંજલ દવેએ આખા ગીતની જગ્યાએ તેની થોડી પંક્તિઓ જ સ્ટેટસમાં મૂકી છે. જેના શબ્દો થકી કિંજલ દવેએ આડકતરી રીતે પોતાના વિરોધીઓને જવાબ આપ્યો છે. આ ગીતના શબ્દો છે

'દુનિયા છે વાતો કરશે
પરવા નહીં કરવાની
જિંદગી તો મોજથી જીવવાની
શોખ પુરા કરી લેવાના
કહેવાવાળા તો કહેવાના
ઝંઝટ આખું ભૂલીને'

naidunia_image

અસામાજિક તત્વો દીકરીઓની પાંખો કાપવાની વાતો કરી રહ્યા છે
કિંજલ દવેએ જે બિઝનેસમેન સાથે સગાઈ કરી, તે બ્રહ્મ સમાજનો ના હોવાથી કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં કિંજલ દવે અને તેમના પરિવારને આજીવન બ્રહ્મ સમાજમાંથી બહાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

જે બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને જવાબ આપ્યો હતો કે, અત્યાર સુધી હું મૌન હતી. જો કે હવે વાત મારા પિતા અને પરિવાર પર આવી છે, ત્યારે એક દીકરી તરીકે હું સહન નહીં કરું.

કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં કેટલાક અસામાજિક તત્વો છે. શું તેવા લોકો નક્કી કરશે કે, દીકરીનો જીવનસાથી કોણ હોવો જોઈએ? શું એક દીકરીને પોતાનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો પણ અધિકાર નથી. આવા બે-ચાર અસામાજિક તત્વો છે, જેઓ દીકરીઓની પાંખો કાપવાની વાતો કરી રહ્યા છે, તેમને મહેરબાની કરીને સમાજમાંથી દૂર કરો.