50 Years Of Sholay: ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી હિટ અને ચર્ચિત ફિલ્મ પૈકીની એક 'શોલે' આવતા સપ્તાહે પોતાની રિલીઝના 50 વર્ષ પુરા કરવા જોઈ રહી છે. રમેશ સિપ્પીની આ ફિલ્મની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ હિન્દી ફિલ્મો પૈકીની એક માનવામાં આવી છે. આ ફિલ્મની ગોલ્ડન એનિવર્સરીના અવસરે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને આ ફિલ્મને 4K વર્ઝનમાં રી-રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે તેની સ્ક્રીનિંગ લિમિટેડ રહેશે. જેને લઈને દેશી ફેન્સ ભડક્યા છે.
માત્ર વિદેશમાં શોલે ફિલ્મ રી-રિલીઝ થશે
શોલે ફિલ્મનું આ સ્ક્રિનિંગ માત્ર ટોરેન્ટોમાં જ થવાનું છે. જેને લઈને દેશી ફેન્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર શોલેના રીસ્ટોર્ડ વર્ઝનને નોર્થ અમેરિકામાં પ્રીમિયરનું એનાઉન્સમેન્ટ કર્યું હતુ. જેમાં શોલે ફિલ્મના એક પોસ્ટરને શેર કરતાં તેમણે લખ્યું હતું કે, રમેશ સિપ્પી દ્વારા ડિરેક્ટેડ ઈન્ડિયન કલ્ટ ફિલ્મ શોલે (1975) ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં રીસ્ટોર વર્ઝન સાથે નોર્થ અમેરિકી પ્રીમિયર સાથે 50 વર્ષ પૂરા થવાની ઉજવણી કરશે. શોલેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 સપ્ટેમ્બર, 2025ના રોજ 1800 સીટ ધરાવતા રૉય થૉમસન હોલમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં થશે.
ભડકેલા ફેન્સને મેકર્સને સવાલ
આ પોસ્ટની કોમેન્ટ સેક્શનમાં ભારતીય ફેન્સ નારાજ જોવા મળ્યા હતા. જેમનો એક જ સવાલ હતો કે, આ ફિલ્મ ભારતમાં ક્યારે રિલીઝ થઈ રહી છે. 15 ઓગસ્ટના રોજ શોલેની રિલીઝ સાથે 50 વર્ષ પુરા થઈ રહ્યા છે. જો કે હજુ સુધી ફિલ્મના મેકર્સ કે ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા (FFI)એ આ વર્ઝનને થિયેટર્સમાં રી-રિલીઝ કરવા પોતાનો રસ દાખવ્યો છે.
અગાઉ 2005માં જ્યારે શોલે ફિલ્મે 30 વર્ષ પૂરા કર્યા ત્યારે 70 મિ.મીના રિસ્ટોર વર્ઝનને થિયેટર્સમાં રિ-રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મે બોક્સ ઑફિસ પર ધાર્યા કરતાં સારું પ્રદર્શન કર્યું હતુ.
જણાવી દઈએ કે, 1975માં આવેલી 'શોલે'માં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, અમજદ ખાન, જયા બચ્ચન અને હેમા માલિનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસના અનેક રેકોર્ડ તોડીને સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ હતી.