Dal Makhani Recipe: આ રીતે ઘરે જ બનાવો ઢાબા સ્ટાઈલ દાલ મખની, ખાનારા આંગળા ચાટતા રહી જશે

ફાઈવ સ્ટાર હોટલોમાં પણ દાલ મખની તો મળે જ છે, પરંતુ ઢાબા સ્ટાઈલની દાલ મખનીનો સ્વાદ લાજવાબ હોય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 Aug 2025 06:40 PM (IST)Updated: Sat, 09 Aug 2025 06:40 PM (IST)
indian-vegetarian-recipe-how-to-cook-dhaba-style-dal-makhani-in-gujarati
HIGHLIGHTS
  • દાલ મખની સાથે નાન ખાવાની ખૂબ જ મજા આવે છે
  • ઘરે નાની-મોટી પાર્ટીમાં પણ દાલ મખની બનાવી શકાય

Dal Makhani Recipe: ભારતને વિવિધતાઓથી ભરેલો દેશ કહેવામાં આવે છે. અહીં ખાણી-પીણીની અનેક વાનગીઓ આપને મળી જશે. મીઠાઈ હોય કે પછી તીખું અને ચટપટું દાળ-શાક કેમ ના હોય, ભારતમાં તમને તેની અઢળક વેરાઈટી મળી જશે. જ્યારે પણ ઉત્તર ભારતની ડીશની વાત આવે, તો દાલ-મખનીનું નામ અચૂક આવે છે. ઢાબા પર મળતી દાલ મખની નાન સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. આમ તો ફાઈવ સ્ટાર હોટલોમાં પણ દાલ મખની મળે જ છે, પરંતુ ઢાબા સ્ટાઈલની વાત જ કંઈક ઓર છે.

દાલ મખનીની મલાઈથી ભરપુર ગ્રેવી, દેશી મસાલાઓની સુગંધ તેને સ્વાદ વધારવાનું કામ કરે છે. આ એક એવી રેસિપી છે, જે દરેક જણને ભાવે છે. જેને તમે ઘરમાં નાની-મોટી પાર્ટીના અવસરે પણ બનાવી શકો છે. દાલ મખની બનાવવામાં થોડો સમય જરૂર લાગે છે, પરંતુ તેનો સ્વાદ પણ લાજવાબ આવે છે. આજે અમે આપને દાલ મખતની બનાવવા માટેની એકદમ સરળ રેસિપી જણાવી રહ્યા છીએ. આ રીતે બનાવેલી દાલ મખની ખાનારા પોતાના આંગળા ચાટતા રહી ના જાય તો કહેજો…

દાલ મખની બનાવવા માટેની જરૂરી સામગ્રી:

  • આખી અડદ દાળ (કાળી દાળ) - 1 કપ
  • રાજમા - એક ચતુર્થાંશ કપ
  • પાણી - પલાળવા અને રાંધવા માટે
  • મીઠું - સ્વાદ અનુસાર
  • આદુ અને લસણની પેસ્ટ - એક મોટો ચમચો
  • લીલા મરચાં - બે બારીક કાપેલા
  • ટામેટાંની પ્યુરી - ત્રણ ટામેટાંની
  • ડુંગળી - બે બારીક કાપેલી
  • લાલ મરચું પાવડર - એક નાનો ચમચો
  • હળદર પાવડર - અડધો નાનો ચમચો
  • ધાણા પાવડર - એક નાનો ચમચો
  • ગરમ મસાલો - અડધો નાનો ચમચો
  • માખણ - ત્રણ મોટા ચમચા
  • ક્રીમ - ત્રણથી ચાર મોટા ચમચા
  • તેલ - એક મોટો ચમચો
  • કસૂરી મેથી - એક નાનો ચમચો (હળવી શેકેલી અને વાટેલી)
  • લીલા ધાણા અર્થાત કોથમિર - ગાર્નિશ કરવા માટે

દાલ મખની બનાવવાની સરળ રીત:

  • અડદ દાળ અને રાજમાને બરાબર ધોઈને સાતથી આઠ કલાક કે આખી રાત માટે પલાળી દો.
  • હવે પ્રેશર કુકરમાં દાળ, રાજમા, ચાર કપ પાણી અને થોડું મીઠું નાખીને પાંચથી છ સીટી વાગે ત્યાં સુધી પકાવો.
  • દાળને હળવા હાથે મેશ કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ અને બે મોટા ચમચા મખ્ખન ગરમ કરો.
  • જે બાદ ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  • હવે આદુ અને લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખીને એક મિનિટ સુધી શેકો.
  • હવે ટામેટાંની પ્યુરી, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાખીને મસાલો ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લો.
  • હવે બાફેલા દાળ અને રાજમાને મસાલામાં ઉમેરો.
  • એકથી બે કપ પાણી ઉમેરીને 20 થી 25 મિનિટ ધીમા તાપે પાકવા દો જેથી સ્વાદ બરાબર ભળી જાય.
  • જે બાદ ગરમ મસાલો, કસૂરી મેથી અને બાકી રહેલો એક મોટો ચમચો માખણ ઉમેરો.
  • હવે ક્રીમ ઉમેરીને બેથી ત્રણ મિનિટ વધુ પકાવો.
  • તમારી દાલ મખની તૈયાર છે.
  • હવે તેને કોથમિરની મદદ સજાવીને ગરમ-ગરમ નાન, રોટી કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.