CBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 9-10 માટે ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત, 1 જુલાઈથી નવો નિયમ લાગુ

2 ભારતીય ભાષા સિવાય ત્રીજી ભાષા માટે કોઈ બોર્ડ પરીક્ષા નહીં લેવામાં આવે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 19 May 2026 10:45 AM (IST)Updated: Tue, 19 May 2026 10:45 AM (IST)
cbse-3-language-study-mandatory-for-standard-9-and-10-effective-from-july-1
HIGHLIGHTS
  • CBSE બોર્ડ દ્વારા અભ્યાસમાં નવો નિયમ
  • ધોરણ 9 અને 10 માટે 3 ભાષા ફરજિયાત

CBSE 3 language Study Rule: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શાળાકીય શિક્ષણ અને અભ્યાસક્રમને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી 9 અને 10મા ધોરણમાં ફક્ત 2 ભાષા ભણવી ફરજિયાત હતી. પરંતુ હવે, CBSE એ 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે.

બે ભાષાઓ ભારતીય હોવી આવશ્યક

CBSE ના નવા નિયમ મુજબ, વિદ્યાર્થીઓએ જે 3 ભાષાઓ ભણવાની છે તેમાં 2 ભાષાઓ ભારતીય હોવી આવશ્યક છે. આ નવો નિયમ આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. જો કોઈ વિદ્યાર્થી ફ્રેન્ચ કે જર્મન જેવી વિદેશી ભાષા ભણવા માંગે તો તે તેને ત્રીજી ભાષા તરીકે ત્યારે જ પસંદ કરી શકશે જો અન્ય 2 ભાષાઓ ભારતીય હોય.

જે વિદ્યાર્થીઓ પહેલાથી જ 3 ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓ ચોથી ભાષા તરીકે વિદેશી ભાષા પસંદ કરી શકશે. આ નવા નિયમની અસરરૂપે ઘણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તેમની ભાષાનું સંયોજન બદલવું પડી શકે છે. જેઓ લાંબા સમયથી વિદેશી ભાષાઓ ભણી રહ્યા છે, તેમણે 9મા ધોરણમાંથી સંસ્કૃત, તમિલ, બંગાળી વગેરે જેવી કોઈ ભારતીય ભાષા પસંદ કરવી પડી શકે છે.

ત્રીજી ભાષા માટે બોર્ડની પરીક્ષા નહીં

વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ ન વધે તે માટે CBSE બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 10મા ધોરણમાં ત્રીજી ભાષા માટે કોઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળા સ્તરે આંતરિક રીતે જ કરવામાં આવશે, અને તેનું પ્રદર્શન CBSE ના પ્રમાણપત્રમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓને ત્રીજી ભાષામાં તેમના પ્રદર્શનના આધારે 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે નહીં.

અભ્યાસક્રમ અને શિક્ષકોની વ્યવસ્થા

હાલમાં 9મા ધોરણ માટે કોઈ ત્રીજી ભાષાના પુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી, આ વિષય છઠ્ઠા ધોરણના પુસ્તકો (R3 સ્તર) નો ઉપયોગ કરીને શીખવવામાં આવશે. CBSE દ્વારા આ માટે 19 અનુસૂચિત ભારતીય ભાષાઓની યાદી પણ બહાર પાડી અને તેના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષણ પદ્ધતિ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા 15 જૂન સુધીમાં જારી કરવામાં આવશે.

શાળાઓમાં શિક્ષકોની અછતના પડકારને પહોંચી વળવા CBSE એ ખાસ સુગમતા આપી છે. જો જે-તે ભાષા માટે શિક્ષકો ઉપલબ્ધ ન હોય તો શાળા અન્ય વિષયોના એવા શિક્ષકોનો ઉપયોગ કરી શકશે જે તે ચોક્કસ ભાષામાં નિપુણ હોય. આ ઉપરાંત, શાળા નિવૃત્ત શિક્ષકોને પણ રાખી શકશે અથવા "સહોદય ક્લસ્ટર્સ” મારફતે અન્ય શાળા સાથે સંસાધનોની વહેંચણી કરી શકશે.