IPO News: ફિલ્મો અને ટીવી શો ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિર્માતા, દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહ ટૂંક સમયમાં તેમની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) રજૂ કરવાની યોજના ધરાવે છે.
આ IPOમાં 83.75 લાખ ઈક્વિટી શેર સુધીની ઓફર સાઈઝનો સમાવેશ થશે અને તે પૈકી 5 લાખ ઈક્વિટી શેર ફ્રેશ ઈશ્યુ તથા 33.75 લાખ ઈખ્વિટી શેર ઓફર ફોર સેલ એટલે કે OFSનો સમાવેશ ધરાવે છે.
કંપની જાહેર ભરણાની પ્રક્રિયા મારફતે એકત્રિત થનાર ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા, સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશો પૂરા કરવા તેમ જ લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગ કરશે.આ અંગે વિપુલ શાહે જણાવ્યું હતું કે કંપની ભવિશ્યની વૃદ્ધિ તથા અન્ય કોર્પોરેટ હેતુઓ માટે વધારાની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરીયાત ધરાવે છે.
સનશાઇન પિક્ચર્સ પ્રોડક્શન ક્ષમતા વધારવા, પોર્ટફોલિયોને વૈવિધ્યસભર કરવા, નવા બિઝનેસ લોંચ કરવા તથા એજ મીડિયામાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીની આઠ ફિલ્મો અને બે વેબ સિરીઝ નિર્માણાધીન છે. કંપની જિયો સ્ટુડિયોઝનાં સહયોગમાં બે ફિલ્મોનું સહ-નિર્માણ કરી રહી છે.
કંપનીએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિના દરમિયાન રૂપિયા 45.64 કરોડ, વર્ષ 2024માં રૂપિયા 53.45 કરોડ અને વર્ષ 2023માં રૂપિયા 2.31 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2022માં રૂપિયા 11.2 કરોડ નફો કર્યો હતો.