Gold Price Today: કિંમતી ધાતુ ગણાતા સોનાના ભાવમાં ગુરુવારે મોટો કડાકો જોવા મળ્યો હતો. જેના કારણે સોનાના ભાવ વધુ એક વખત 1.20 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે પહોંચી ગયા છે.
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJ) દ્વારા જણાવ્યા પ્રમાણે, 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવ 1009 રૂપિયા ઘટીને 1,19,619 પર પહોંચી ચૂક્યો છે. અગાઉ સોનાની કિંમત 1,20,628 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
આવી જ રીતે 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવ પણ ઘટીને 1,09,571 રૂપિયા થઈ ગઈ છે. જે અગાઉ 1,10,495 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 18 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 89,714 રૂપિયા થઈ ગયો છે. જે પહેલા 90,417 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
બીજી તરફ ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. આજે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 1,46,783 રૂપિયા પ્રતિકિલો બોલાયો છે, જે ગઈકાલે 1,46,633 રૂપિયા પ્રતિ કિલો હતો.
જણાવી દઈએ કે, ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJ) દ્વારા દિવસમાં બે વખત એટલે કે બપોરે 12 વાગ્યે અને સાંજે 5 કલાકે સોના-ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે.
બુલિયન માર્કેટના જાણકારોના મતે સોનાના ભાવમાં વધ-ઘટ પાછળ ફેટ રેટ કટ બાદ માર્કેટનું નેગેટિવ પ્રદર્શન છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ન્યુક્લિયર હથિયાર ટેસ્ટ કવરાની મંજૂરીથી બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો છે. આગામી સમયમાં સોનું 1,18,000 રૂપિયાથી લઈને 1,24,500ની રેન્જમાં આવી શકે છે.
જો ગુજરાતમાં કિંમતી ધાતુના ભાવની વાત કરીએ તો, ગઈકાલે અમદાવાદ બુલિયન બજારમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામે 3 હજાર રૂપિયાનો વધારો નોંધાયો હતો. જેના પરિણામે સોનાનો નવો ભાવ 1,24,500 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જ્યારે ચાંદીમાં પણ 7 હજાર રૂપિયાનો ઉછાળો થતાં પ્રતિકિલો દોઢ લાખ સુધી ભાવ પહોંચી ગયો હતો.
રશિયા-યૂક્રેન યુદ્ધ, ઝાઝા-ઈઝરાયલ યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ વગેરેના કારણે વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જો કે સોનાનો ભાવ 1 લાખને પાર જતા મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બની ગયું છે. જો કે હવે લગ્નસરાની સિઝન આવી રહી હોવાથી ધીમે-ધીમે સોનાની ખરીદી થવા લાગી છે. વૈશ્વિક અને શેર બજારની અસ્થિરતાને જોતા ઘણાં રોકાણકારો ફરીથી સોનામાં રોકાણ કરવા તરફ વળ્યા છે. એવામાં આજે તેમજ આવનારા સમયમાં સોનાના ભાવ ઘટવાની સંભાવનાને જોતા આ કિંમતી ધાતુમાં રોકાણ કરવા માટેનો બેસ્ટ સમય આવી રહ્યો છે, તેમ કહીએ તો ખોટું નથી.
