New GST Rates On Vehicles: ભારતમાં નાની કારો અને મોટરસાઇકલ ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે એક મોટી ખુશખબર છે. GST કાઉન્સિલે ટેક્સ દરોમાં મોટો ફેરફાર કર્યા છે જે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નિર્ણય બાદ ઘણી જરૂરી ચીજવસ્તુઓ અને વાહનો પહેલા કરતા સસ્તા થઈ જશે, જે તહેવારોના સિઝન પહેલા માંગ વધારવામાં અને ગ્રાહકોને રાહત આપવામાં મદદ કરશે.
બાઇક્સ અને નાની કારો પર 10 ટકાની રાહત
તાજેતરમાં જાહેર કરાયેલા નવા GST રેટ સ્ટ્રક્ચરમાં મોટી રાહત આપવામાં આવી છે. હવે 350cc સુધીની બાઇક્સ અને નાની કારો પરનો ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે, આ વાહનો પર સીધી 10 ટકાની રાહત મળશે અને તેની કિંમતો ઘટશે.
'નાની કાર' કોને ગણાશે
એવી કાર કે જેની લંબાઈ 4000 મિમીથી વધુ ન હોય અને જેમાં કાં તો 1200cc સુધીનું પેટ્રોલ એન્જિન હોય અથવા 1500cc સુધીનું ડીઝલ એન્જિન હોય તેને નાની કારની વ્યાખ્યામાં ગણવામાં આવશે. આ કારો પર અગાઉ 28 ટકા GST લાગતો હતો, જે હવે ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
મોટી બાઇક્સ થશે મોંઘી
350cc થી વધુ એન્જિનવાળી બાઇક્સ હવે પહેલા કરતા વધુ મોંઘી થશે. આ બાઇક્સને લક્ઝરી ગુડ્સ ગણવામાં આવશે અને તેના પર સીધો 40 ટકાનો ફ્લેટ ટેક્સ લાગુ પડશે. અગાઉ આ બાઇક્સ પર 28 ટકા GST અને 3-5 ટકા સેસ મળીને લગભગ 32 ટકા ટેક્સ લાગતો હતો.
ઇલેક્ટ્રિક વાહનો પર કોઈ ફેરફાર નહીં
ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે હાલમાં કોઈ નવો દર લાગુ કરવામાં આવ્યો નથી. તમામ EVs હજુ પણ 5% ના સ્લેબમાં જ રહેશે, જેનાથી ઇલેક્ટ્રિક વાહન બજારને રાહત મળશે.
મોટી કારો પર શું અસર થશે?
જે કારો 'નાની કાર'ની વ્યાખ્યામાં આવતી નથી, તેમના પર હવે 40 ટકા ટેક્સ લાગશે. અગાઉ આ કારો પર 28 ટકા GST સાથે લગભગ 15 ટકાનો સેસ લાગતો હતો, એટલે કે કુલ લગભગ 42 ટકા ટેક્સ ભરવો પડતો હતો. હવે તેની જગ્યાએ સીધો 40 ટકા ફ્લેટ ટેક્સ લાગશે, જેનાથી ગ્રાહકોને કુલ ટેક્સનો બોજ થોડો ઓછો થતા ફાયદો થશે.
અન્ય વાહનો પર કેટલો GST?
ઓટો પાર્ટ્સ, જેના પર અગાઉ અલગ-અલગ દર હતા, હવે તેના પર 18 ટકાનો એક સમાન દર લાગશે. ત્રણ પૈડાવાળા વાહનો પર GST ને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. બસ, ટ્રક અને એમ્બ્યુલન્સ જેવા મોટા વાહનો પણ 18 ટકાના સ્લેબમાં આવશે. ખાનગી ઉપયોગ માટેના વિમાનો પર 40 ટકા GST લાગશે.