Stock Market Rally:ભારતીય શેરબજારમાં ચોતરફથી ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષક ખરીદી નિકળતા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આશરે 1900 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. વિશ્વ બજારોમાંથી મળેલા તેજીના સંકેત, ક્રુડ ઓઈલની ઘટેલી કિંમત અને વિદેશી ફંડો તરફથી સતત ખરીદીને પગલે શેરબજારને મજબૂત ટેકો મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીએ આ સાથે અનુક્રમે 84000 અને 25900નું લેવલ કુદાવી દીધુ છે. આજની તેજીને લીધે માર્કેટ કેપ આજે એક જ દિવસમાં 3.40 લાખ કરોડ વધી ગઈ છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 3.40 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
બીએસઈ સેન્સેક્સ 1976 પોઇન્ટ ઉછળી 84,400
બીએસઈ સેન્સેક્સ 1976 પોઇન્ટ ઉછળી 84,400 અને નિફ્ટી 572 પોઇન્ટ ઉછળી 25,900ને પાર થઈ ગયું છે. ગઈકાલે ગુરુ નાનક જયંતી નિમિત્તે શેરબજારમાં રજા હતી, જોકે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે નફારૂપી વેચવાલી વચ્ચે સેન્સેક્સ 1,483 પોઇન્ટ એટલે કે 1.77 ટકા ગગડી 82,435 રહ્યો હતો. જ્યારે નિફ્ટી 451 પોઇન્ટ તૂટી 25,349 પર બંધ રહી હતી.
ક્રુડ ઓઈલના ભાવ ગગડીને આવતા ભારતને મોટી રાહત
વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ગગડીને આવતા ભારતને મોટી રાહત મળી છે અને દેશમાં ફુગાવાની સ્થિતિ હળવી બને તેવા આશાવાદ વચ્ચે આજે શેરબજારને વેગ મળ્યો હતો. જોકે બજારના નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવેસરથી ભારત સહિતના દેશો પર ટેરિફ લાદવાની જે ધમકી આપી છે તે નજીકના સમયમાં શેરબજાર ચિંતાનું કારણ બની શકે છે.
કયા શેરોમાં આવી ભારે તેજી
સૌથી વધારે તેજી નોંધાવનાર શેરોમાં ઈન્ફોસિસ, એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવરના શેરનો સમાવેશ થતો હતો. જ્યારે ટાઈટનના શેરોમાં મંદી જોવા મળતી હતી. આ ઉપરાંત ટાટા સ્ટીલ, હિન્દાલ્કોના શેરોમાં ઘટાડો થયો હતો.
