RBI Hikes Repo Rate: રેપો રેટ વધવાથી કોની ચમકી કિસ્મત? જાણો કયા રોકાણકારોને થશે સૌથી મોટો ફાયદો

મધ્યસ્થ બેંકના આ પગલાંથી દેશમાં હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવનારા રોકાણકારો અને બચતકર્તાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 07 Oct 2026 12:24 PM (IST)Updated: Wed, 07 Oct 2026 12:24 PM (IST)
rbi-hikes-repo-rate-for-first-time-in-nearly-4-years-what-it-means-for-bank-fd-rates
આરબીઆઈ રેપો રેટ વધારો

RBI Repo Rate Hike Impact on Fixed Deposits: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં પોલિસી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યસ્થ બેંકના આ પગલાંથી દેશમાં હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવનારા રોકાણકારો અને બચતકર્તાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

રેપો રેટ વધારવા પાછળનું મુખ્ય કારણ શું છે?

હાલના સમયમાં રિઝર્વ બેંક સામે સૌથી મોટો પડકાર દેશમાં સતત વધી રહેલી મોંઘવારી (ફુગાવો) ને નિયંત્રિત કરવાનો છે.

રિટેલ મોંઘવારીમાં વધારો:

ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 4.82% સુધી પહોંચી ગયો હતો, જે RBI ના 4% ના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં સતત ત્રીજા મહિને વધુ રહ્યો હતો.

પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઈલ:

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ની કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરતું હોવાથી મોંઘું ક્રૂડ પેટ્રોલ-ડીઝલથી લઈને ટ્રાન્સપોર્ટ અને અન્ય દૈનિક ચીજવસ્તુઓની કિંમતો વધારી શકે છે. મોંઘવારીના આ દબાણને ડામવા માટે RBI એ વ્યાજદરમાં વધારો કરવો પડ્યો છે.

કાર, પર્સનલ અને હોમ લોન પર શું અસર થશે?

રેપો રેટ વધવાને કારણે વાણિજ્યિક બેંકો માટે ધિરાણ મોંઘું બનશે, જેનો સીધો બોજ ગ્રાહકો પર પડશે. જેમાં નવા હોમ લોન, કાર લોન, ટૂ-વ્હીલર લોન કે પર્સનલ લોન લેનારા ગ્રાહકોને હવે ઊંચા વ્યાજ દરે ધિરાણ મળશે. તેમજ જે ગ્રાહકોની લોન ફ્લોટિંગ રેટ (Floating Rate) પર ચાલી રહી છે, તેમની માસિક EMI ની રકમ વધી શકે છે અથવા લોનની મુદત લંબાઈ શકે છે.

FD કરાવા માટે સારા સમાચાર

રેપો રેટમાં થયેલા વધારાનો સીધો ફાયદો બચતકર્તાઓ અને FD રોકાણકારોને મળી શકે છે. જો બેંકો પોતાની ડિપોઝિટ દરોમાં વધારો કરે, તો નવી FD કરાવનારા ગ્રાહકોને વધુ વ્યાજ મળશે.

ગણતરીના ઉદાહરણ દ્વારા સમજો:

  • જો તમે 10 લાખની 1 વર્ષની FD 7% ના વ્યાજ દરે કરો છો, તો તમને અંદાજે 70,000 નું વ્યાજ મળે છે.
  • જો બેંકો વ્યાજ દર વધારીને 7.25% કરે છે, તો તે જ રકમ પર વ્યાજ વધીને અંદાજે 72,500 થશે. એટલે કે રોકાણકારને 2,500 નો સીધો ફાયદો થશે.

નોંધ: અગાઉથી ચાલી રહેલી જૂની FD પર વ્યાજ દર બદલાતો નથી. આ વધારાનો લાભ નવી FD કરાવતી વખતે અથવા જૂની FD પાકતી મુદતે (Maturity) રિન્યુ કરાવતી વખતે જ મળે છે.