RBI Repo Rate Hike: 3 વર્ષ બાદ રેપો રેટમાં કરાયો વધારો, જાણો તમારા લોનના હપ્તા પર શું પડશે અસર

બેંકિંગ નિયમનકારે પોલિસી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ (bps) નો વધારો કર્યો છે, જેનાથી રેપો રેટ 5.25% થી વધીને 5.50% થયો છે. આ નિર્ણય સાથે જ દેશમાં વ્યાજદરમાં વધારાના નવા ચક્રની શરુઆત થઈ ગઈ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 07 Oct 2026 10:30 AM (IST)Updated: Wed, 07 Oct 2026 10:30 AM (IST)
rbi-mpc-meeting-october-2026-governor-sanjay-malhotra-announced-repo-rate-hike
રેપો રેટમાં વધારો

RBI Repo Rate Hike, RBI MPC Meeting October 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની વ્યાજ દર નક્કી કરતી મોનેટરી પોલિસી કમિટી (MPC) એ દેશમાં વધતા ફુગાવાને ડામવા માટે એક મોટો નિર્ણય લીધો છે. બેંકિંગ નિયમનકારે પોલિસી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ (bps) નો વધારો કર્યો છે, જેનાથી રેપો રેટ 5.25% થી વધીને 5.50% થયો છે. આ નિર્ણય સાથે જ દેશમાં વ્યાજદરમાં વધારાના નવા ચક્રની શરુઆત થઈ ગઈ છે. નોંધનીય છે કે, મધ્યસ્થ બેંક દ્વારા લગભગ ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ વ્યાજદરમાં આ વધારો કરવામાં આવ્યો છે; આ અગાઉ ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારવામાં આવ્યો હતો.

MPC ની ત્રણ દિવસીય બેઠકમાં સર્વાનુમતે નિર્ણય

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય સમીક્ષા બેઠક ૫ ઓક્ટોબરે શરૂ થઈ હતી, જે આજે નિર્ણયોની સત્તાવાર જાહેરાત સાથે સંપન્ન થઈ છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશમાં વધતા જતા ફુગાવાની ચિંતા અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને આ આકરું પગલું ભરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું, "વિકસતી મેક્રો-ઇકોનોમિક અને નાણાકીય પરિસ્થિતિઓ તેમજ ભવિષ્યના અંદાજોના ઝીણવટભર્યા મૂલ્યાંકન બાદ, MPC એ સર્વાનુમતે LAF હેઠળ પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ વધારીને 5.50% કરવાનો નિર્ણય લીધો છે."

આ નવી નીતિગત જાહેરાત મુજબ અન્ય દર આ મુજબ નક્કી કરાયા છે:

  • SDF (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) રેટ: 5.25%
  • MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી) રેટ: 5.75%
  • બેંક રેટ: 5.75%

 

સામાન્ય ગ્રાહકો પર શું અસર પડશે?

RBI દ્વારા રેપો રેટ વધારવાના કારણે તમામ વાણિજ્યિક બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી ધિરાણ મેળવવું મોંઘું બનશે. બેંકો આ વધારાના ખર્ચનો બોજ સીધો ગ્રાહકો પર નાખશે. જેના પરિણામે, હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન મોંઘી થશે. અને નવા લોન ધારકો માટે વ્યાજ દર ઊંચા રહેશે તેમજ હયાત લોન ધારકોના માસિક હપ્તા (EMI) અથવા લોનની મુદતમાં વધારો થશે.

વૈશ્વિક પરિબળો અને ફુગાવાનું દબાણ

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દેશમાં હાલમાં છૂટક ફુગાવો ૫% ની આસપાસ છે અને ડિસેમ્બર ક્વાર્ટરમાં તે RBI ની સહનશીલતા મર્યાદા (2%–6%) ની ઉપલી સીમાની નજીક પહોંચવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે મોંઘવારીમાં તીવ્ર વધારો થતાં વિશ્વભરની મુખ્ય મધ્યસ્થ બેંકો પોતાની નાણાકીય નીતિને કડક બનાવી રહી છે.

અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાથી નીતિ-નિર્ધારકોને વિકાસ દર પર કોઈ મોટી નકારાત્મક અસર પડ્યા વિના ધિરાણ ખર્ચ વધારવાની તક મળી છે. આગામી સમયમાં ફુગાવો નિયંત્રણમાં ન આવે તો નીતિમાં વધુ કડકાઈ લાવવામાં આવી શકે છે.