Repo Rate Hike Explained, October 2026 RBI Policy Updates: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા પોલિસી રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ (0.25%) નો વધારો કરીને તેને 5.25% થી વધારીને 5.50% કરવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા લેવાયેલા આ નિર્ણ નિર્ણયની જાહેરાત બાદ સમગ્ર દેશના કરજદારો અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડવાની શક્યતા છે. મધ્યસ્થ બેંકના આ નિર્ણયથી વાણિજ્યિક બેંકો માટે ધિરાણ મોંઘું બનશે, જેના કારણે આગામી દિવસોમાં હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પરના વ્યાજ દરોમાં વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
RBI Repo Rate Hike: 3 વર્ષ બાદ રેપો રેટમાં કરાયો વધારો, જાણો તમારા લોનના હપ્તા પર શું પડશે અસર
રેપો રેટ વધતા તમારી EMI પર કેવી રીતે અસર પડશે?
જ્યારે RBI રેપો રેટ વધારે છે, ત્યારે બેંકો માટે ભંડોળ મેળવવું મોંઘું બને છે અને તેઓ વ્યાજ દરનો આ વધારો ગ્રાહકો પર ટ્રાન્સફર કરે છે. પરિણામે, હોમ લોન લેનારા ગ્રાહકોના માસિક હપ્તા (EMI) વધશે અથવા લોનની મુદત (Tenure) લંબાઈ જશે.
ચાલો આ ગણતરીને બે અલગ-અલગ ઉદાહરણો દ્વારા સરળ રીતે સમજીએ:
ઉદાહરણ 1: ₹30 લાખની લોન (20 વર્ષની મુદત)
- વર્તમાન સ્થિતિ: 8.50% ના વ્યાજ દરે 20 વર્ષ માટે 30 લાખની હોમ લોન પર માસિક EMI અંદાજે 26,035 થાય છે.
- દર વધ્યા પછી: વ્યાજ દરમાં 0.25% ના વધારા બાદ દર 8.75% થશે, જેથી નવો EMI અંદાજે 26,511 થશે.
- ચૂકવવો પડતો વધારાનો બોજ: દર મહિને અંદાજે 476 વધુ ચૂકવવા પડશે, જે વાર્ષિક ધોરણે 5,712 નો વધારાનો બોજ બનશે.
ઉદાહરણ 2: ₹50 લાખની મોટી લોન (25 વર્ષની મુદત)
- વર્તમાન સ્થિતિ: 7.50% ના વ્યાજ દરે 25 વર્ષ માટે 50 લાખની લોન પર માસિક EMI અંદાજે 36,950 થાય છે.
- દર વધ્યા પછી: વ્યાજ દર વધીને 7.75% થતાં નવો માસિક હપ્તો અંદાજે 37,767 થઈ જશે.
- ચૂકવવો પડતો વધારાનો બોજ: માસિક હપ્તામાં 817 નો વધારો થશે. સમગ્ર 25 વર્ષની મુદત દરમિયાન લોન ધારક પર અંદાજે 2.45 લાખનો વ્યાજનો વધારાનો બોજ આવશે.
નોંધ: ઘણીવાર બેંકો માસિક EMI ની રકમ વધારવાને બદલે લોનની મુદત (વર્ષો) લંબાવી દે છે. બંને કિસ્સામાં લોન ધારકે અંતે વધુ વ્યાજ ચુકવવું પડશે.
રેપો રેટ શું છે અને તેનું મહત્વ શા માટે છે?
રેપો રેટ (Repo Rate) એ એવો દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક (RBI) વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે.
- આ દર દેશમાં આપાતી તમામ પ્રકારની ગ્રાહક લોનના વ્યાજ દરોને સીધી રીતે અસર કરે છે.
- દેશમાં બજારમાં ફુગાવો (મોંઘવારી) ઊંચો હોય ત્યારે ગ્રાહકો દ્વારા થતા અતિશય ખર્ચ પર અંકુશ લાવવા અને ફુગાવાને કાબૂમાં લેવા માટે RBI રેપો રેટ વધારે છે.
- આનાથી વિપરીત, જ્યારે આર્થિક વૃદ્ધિને વેગ આપવો હોય કે બજારમાં નાણાકીય પ્રવાહ વધારવો હોય ત્યારે વ્યાજ દરો ઘટાડવામાં આવે છે.
MPC ની અગાઉની સ્થિતિ અને નિર્ણયનો આધાર
આ અગાઉ ઓગસ્ટ મહિનામાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ 5.25% પર યથાવત રાખવામાં આવ્યો હતો. તે સમયે કમિટીએ આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના વલણો વચ્ચે સંતુલન જાળવવા તટસ્થ વલણ અપનાવ્યું હતું. પરંતુ હાલમાં દેશમાં વધી રહેલી મોંઘવારી અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય સર્વાનુમતે લીધો છે.
રેપો રેટ કેમ વધારવામાં આવ્યો?
હાલમાં RBI માટે સૌથી મોટો પડકાર ફુગાવો છે. ઓગસ્ટમાં છૂટક ફુગાવાનો દર વધીને 4.82% થયો હતો, જે સતત ત્રીજા મહિને RBIના 4%ના લક્ષ્યાંક કરતા વધારે રહ્યો છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન અને અન્ય ચીજવસ્તુઓ સુધીના તમામ ખર્ચમાં વધારો થઈ શકે છે.
શું કાર અને પર્સનલ લોન પણ મોંઘી થઈ શકે છે?
હોમ લોન ઉપરાંત, કાર લોન, ટુ-વ્હીલર લોન અને પર્સનલ લોનના વ્યાજ દરો પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને નવી લોન લેનારાઓએ ઊંચા વ્યાજ દરનો સામનો કરવો પડી શકે છે. જે લોકો પાસે પહેલેથી જ ફ્લોટિંગ-રેટ લોન છે, તેમના માટે EMI અથવા લોનની મુદતમાં વધારો થઈ શકે છે.
FD ધારકો માટે સારા સમાચાર
રેપો રેટમાં થયેલા વધારાથી બચતકારો અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રોકાણકારોને ફાયદો થઈ શકે છે. જો બેંકો તેમના ડિપોઝિટ દરોમાં વધારો કરે, તો નવી FD ખોલનારાઓને વધુ વ્યાજ મળી શકે છે.
ઉદાહરણ તરીકે, જો તમે 7%ના વ્યાજ દરે ₹10 લાખની એક વર્ષની FD ખોલો છો, તો તમને લગભગ ₹70,000 વ્યાજ મળશે. જો વ્યાજ દર વધીને 7.25% થાય, તો મળતું વ્યાજ આશરે ₹72,500 થશે—એટલે કે વધારાના ₹2,500 મળશે. જોકે, હાલની FD પર વ્યાજ દર સામાન્ય રીતે બદલાતો નથી; ઊંચા દરનો લાભ નવી FD ખોલતી વખતે અથવા જૂની FDની મુદત પૂરી થયા બાદ તેને રિન્યૂ (નવી) કરાવતી વખતે મળે છે.
