અમેરિકા અને જાપાન બાદ હવે ભારતમાં બેંક લોન થશે મોંઘી: જાણી લો RBI વ્યાજદરમાં કેટલો વધારો કરી શકે છે

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું RBI પણ આ જ માર્ગ અપનાવશે. SBI રિસર્ચ અને ક્ષેત્રના અગ્રણી વિશ્લેષકોના અનુમાન મુજબ, રિઝર્વ બેંક ઓક્ટોબર અને ડિસેમ્બરની નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરી શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 18 Sep 2026 03:39 PM (IST)Updated: Fri, 18 Sep 2026 03:39 PM (IST)
global-central-banks-rate-hike-rbi-repo-rate-hike-home-loan-emi-costly
RBI રેપો રેટ

RBI Repo Rate Hike Prediction: વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં કરવામાં આવી રહેલા વધારાને પગલે વૈશ્વિક આર્થિક માહોલ ડહોળાયો છે. અમેરિકા અને જાપાન જેવી મહાસત્તાઓએ પોતાના વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કર્યા બાદ હવે ભારતમાં પણ સામાન્ય માણસ માટે બેંક લોન અને હોમ-ઓટો EMI મોંઘા થવાની ચિંતા ઘેરી બની છે. ફુગાવાના વધતા દબાણ અને કૂદકે ને ભૂસકે વધતા ક્રૂડ ઓઈલના ભાવ વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) પણ ટૂંક સમયમાં વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.

અમેરિકા અને જાપાનમાં વ્યાજદર વધારાથી વૈશ્વિક હલચલ

વૈશ્વિક બજારમાં વ્યાજદરના ફેરફારોની શરૂઆત યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા થઈ છે. સપ્ટેમ્બર 2026માં અમેરિકાની મધ્યસ્થ બેંકે વ્યાજદરમાં 0.25% (25 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કર્યો હતો, જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલો પ્રથમ વધારો છે. આ નિર્ણય બાદ અમેરિકામાં બેન્ચમાર્ક દર 3.75% થી વધીને 4.00% ની સપાટીએ પહોંચ્યો છે.

બીજી તરફ, જાપાનની સેન્ટ્રલ બેંકે એક ઐતિહાસિક નિર્ણય લેતા તેના વ્યાજદર વધારીને 1.25% કર્યા છે. આ છેલ્લા 31 વર્ષમાં જોવા મળેલી સૌથી ઊંચી સપાટી છે. સામાન્ય રીતે અત્યંત નીચા કે શૂન્ય વ્યાજદર ધરાવતા જાપાન જેવા દેશમાં આટલો મોટો વધારો વૈશ્વિક બજારમાં લિક્વિડિટી અને ફુગાવા અંગેના મોટા ફેરફારનો સંકેત આપે છે.

ભારત પર સીધી અસર: RBI પણ રેપો રેટ વધારી શકે છે

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું RBI પણ આ જ માર્ગ અપનાવશે. SBI રિસર્ચ અને ક્ષેત્રના અગ્રણી વિશ્લેષકોના અનુમાન મુજબ, રિઝર્વ બેંક ઓક્ટોબર અને ડિસેમ્બરની નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કરી શકે છે. છૂટક અને જથ્થાબંધ ફુગાવામાં થઈ રહેલા સતત વધારાને કારણે 'નેગેટિવ રિયલ ઇન્ટરેસ્ટ રેટ'નું જોખમ ઊભું થયું છે, જે RBIને રેપો રેટ ફરી 6.5% ના સ્તર તરફ લઈ જવા માટે મજબૂર કરી શકે છે.

વધતો ફુગાવો અને $100 ને પાર પહોંચેલું ક્રૂડ ઓઈલ

ભારતમાં ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 4.8% થયો છે, જે જાન્યુઆરી પછીનું સૌથી ઊંચું સ્તર છે. બીજી તરફ, ઈંધણ અને અન્ય પાયાના પરિબળોના કારણે જથ્થાબંધ ફુગાવો 9.9% ની ચિંતાજનક સપાટીએ પહોંચ્યો છે. SBI રિસર્ચના અહેવાલ મુજબ, ગ્રાહક ભાવાંક (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબર 2026 સુધીમાં 6.5% ના સ્તરને વટાવી શકે છે અને તે 2027ની શરૂઆત સુધી 6% થી નીચે આવવાની કોઈ શક્યતા નથી.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કચોડાઈ રહેલા ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 ની સપાટી વટાવી ચૂક્યા છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરતું હોવાથી, આ વધારો દેશમાં 'ઈમ્પોર્ટેડ ઈન્ફ્લેશન' (આયાતી ભાવ-દબાણ) ઉત્પન્ન કરી રહ્યો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં ભારતીય બેંકો દ્વારા તમામ પ્રકારની ધિરાણ લોન પર વ્યાજદર વધારવાની જાહેરાત થઈ શકે છે.