Digital Life Certificate:પેન્શન નિયમિત ચાલુ રાખવા માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર એટલે કે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું અત્યંત જરૂરી છે. નિયત સમયમર્યાદામાં આ પ્રમાણપત્ર સબમિટ ન થાય તો માસિક પેન્શન ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે અથવા તો તે કામચલાઉ ધોરણે અટકી શકે છે. મોટાભાગના કેન્દ્રીય સરકારી પેન્શનરો માટે વાર્ષિક ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જમા કરાવવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. જ્યારે 80 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરો માટે આ પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ થઈ હતી.
હવે પેન્શનરોએ બેંક શાખા કે કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. સ્માર્ટફોન પર 'જીવન પ્રમાણ ફેસ એપ(Jeevan Pramaan Face App) અને આધાર ફેસ આરડી(AadhaarFaceRD) એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા ફેસ આઈડેન્ટીફિકેશન દ્વારા ડિજિટલ પ્રમાણપત્ર જમા કરાવી શકાય છે.
અરજી માટે જરૂરી વિગતો અને સરળ પ્રક્રિયા
- પ્રક્રિયા શરૂ કરતા પહેલાં આધાર વિગત, મોબાઈલ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર, પેન્શન ખાતાનો નંબર, બેંક અથવા વિતરણ સંસ્થાની માહિતી, મંજૂર કરનાર ઓથોરિટીની વિગત અને ઈમેલ ID તૈયાર રાખવા જરૂરી છે.
- બંને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ 'જીવન પ્રમાણ ફેસ એપ' ખોલીને ઓપરેટરની વિગતો ભરી શરૂઆતનું ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરો.
- ત્યારબાદ પેન્શનરની વ્યક્તિગત માહિતી, PPO નંબર, ખાતાનો નંબર અને સંબંધિત વિભાગની વિગતો દાખલ કરી ચકાસી લો.
- કેમેરા સામે ચહેરો રાખી સ્ક્રીન પરની સૂચના મુજબ પલકારા મારી ફેસ ઓથેન્ટિકેશન પૂરી કરો.
- સબમિશન સફળ થયા બાદ મોબાઈલ પર SMS દ્વારા 'જીવન પ્રમાણ ID' મળે છે, જેના આધારે સર્ટિફિકેટ ઉપલબ્ધ થાય છે અને સંબંધિત વિભાગ 'જીવન પ્રમાણ' રિપોઝિટરી મારફતે તેને મેળવી શકે છે.
સબમિશન પૂરતું નથી, સ્વીકૃતિ તપાસવી જરૂરી
ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેર (DoPPW) પ્રમાણે માત્ર ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવાથી પ્રક્રિયા પૂરી થતી નથી. પેન્શનરોએ પોતાના રેકોર્ડમાં તે સ્વીકારાયું છે કે કેમ તેની ખાતરી કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. 13 જાન્યુઆરી, 2025ના ઓફિસ મેમોરેન્ડમ દ્વારા વિભાગે બેંકો સહિતની પેન્શન વિતરણ સંસ્થાઓને પ્રમાણપત્ર સ્વીકારાયું કે નકારાયું તેની SMS જાણકારી મોકલવા સૂચના આપી છે, જેથી પેન્શનરો સમયસર સ્થિતિ જાણી શકે.
