Australia New Visa Rules: ઓસ્ટ્રેલિયા સરકારે વિઝા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરતા ટુરિસ્ટ સહિતની મુખ્ય વિઝિટર વિઝા કેટેગરીમાં No Further Stay ની શરત ફરજિયાત બનાવી દીધી છે. અલબત સ્ટુડેન્ટ વિઝાને લગતા નીતિ-નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ નિર્ણય બાદ હવે ઓસ્ટ્રેલિયા પહોંચેલા પ્રવાસીઓ દેશમાં રહીને પોતાના વિઝાની મુદત લંબાવી શકશે નહીં કે અન્ય કોઈ નવા વિઝા માટે અરજી કરી શકશે નહીં. આ ફેરફારની સીધી અસર હરવા-ફરવા, પરિવારને મળવા કે બિઝનેસના હેતુથી જતા આંતરરાષ્ટ્રીય મુસાફરો પર પડશે.
કઈ વિઝા શ્રેણીઓ પર લાગુ થયો નિયમ?
નવા નિયમો 28 નવેમ્બર કે ત્યારબાદ જમા થનારી અરજીઓ પર લાગુ થશે. તેમાં વિઝિટર વિઝા (સબક્લાસ 600), ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરિટી એટલે કે ઈટીએ-સબક્લાસ 601 અને E-Visitor Visaનો સમાવેશ થાય છે. હવે આ તમામ કેટેગરીમાં વિઝા શરત 8503 ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં વધુ સમય રોકાવા માંગતી હોય અથવા વિઝા કેટેગરી બદલવા ઈચ્છતી હોય, તો તેણે ફરજિયાતપણે ઓસ્ટ્રેલિયાની બહાર જઈને જ નવી અરજી કરવી પડશે. જોકે, 28 નવેમ્બર પહેલાં અરજી કરનારાઓ પર આ નિયમ લાગુ પડશે નહીં.
કટોકટીમાં મળી શકે છે છૂટછાટ
કેટલાક અપવાદરૂપ સંજોગોમાં આ પ્રતિબંધમાંથી મુક્તિ મળી શકે છે. ઓસ્ટ્રેલિયાનું ગૃહ વિભાગ ગંભીર બીમારી, પારિવારિક કટોકટી, કુદરતી આફત અથવા અરજદારના નિયંત્રણ બહારની પરિસ્થિતિમાં આ શરત હટાવવા અંગે વિચારણા કરી શકે છે. પરંતુ, માત્ર છૂટ માટે અરજી કરવાથી રોકાણની અવધિ આપમેળે વધી જતી નથી.
વિઝા હોપિંગ અટકાવવાનો ઉદ્દેશ્ય
ઓસ્ટ્રેલિયન સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિઝાની મૂળ માન્યતા કે પ્રવાસ અવધિમાં કોઈ ફેરફાર કરાયો નથી. ETA અને E-Visitor 12 મહિનામાં એક કરતાં વધારે મુસાફરી કરી દરેક વખતે 3 મહિના સુધી રહી શકશે.સરકારનો મુખ્ય હેતુ વિઝા હોપિંગ પર અંકુશ મૂકવાનો અને પ્રવાસી વિઝાનો ઉપયોગ ફક્ત વાસ્તવિક મુસાફરી પૂરતો સીમિત રાખવાનો છે.
