Gold Loan And NBFC:સોનાના ભાવમાં તીવ્ર કડાકા વચ્ચે ગોલ્ડ લોન આપતી NBFC કંપનીઓ ભીંસમાં, ગ્રાહકોને રિકવરી નોટિસ

છેલ્લા 11 મહિનાના ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (NBFC) અને ગોલ્ડ લોન આપતી સંસ્થાઓની ચિંતા વધારી દીધી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 12:44 PM (IST)Updated: Sat, 28 Nov 2026 12:44 PM (IST)
nbfcs-offering-gold-loans-face-a-squeeze-amid-a-sharp-plunge-in-gold-prices-recovery-notices-issued-to-customers

Gold Loan And NBFC:છેલ્લા 11 મહિનાના ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં આવેલા મોટા ઘટાડાએ નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ (NBFC) અને ગોલ્ડ લોન આપતી સંસ્થાઓની ચિંતા વધારી દીધી છે. પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.80 લાખની ટોચ પર પહોંચેલા સોનાના ભાવ ગગડીને હવે રૂપિયા 1.25 લાખની આસપાસ આવી ગયા છે. બજારમાં સોનાની કિંમતમાં થયેલા અંદાજે રૂપિયા 50,000 એટલે કે આશરે 30 થી 32 ટકાના આ તોતિંગ ઘટાડાને કારણે કંપનીઓ પાસે ગીરવે પડેલા સોનાનું મૂલ્ય પણ ઘટી ગયું છે. પરિણામે, પોતાનું નાણાકીય જોખમ ઘટાડવા માટે ધિરાણકર્તા કંપનીઓ હવે ગ્રાહકોને લોનની અમુક રકમ તાત્કાલિક જમા કરાવવા માટે મેસેજ અને નોટિસ પાઠવી રહી છે.

ધિરાણકર્તા કંપનીઓ કેમ નોટિસ મોકલી રહી છે?

જ્યારે સોનાના ભાવ રૂપિયા 1.80 લાખની સપાટીએ હતા, ત્યારે ગ્રાહકોને તેમના સોનાના ઊંચા મૂલ્ય સામે મોટી રકમની લોન મળી હતી. પરંતુ હવે બજારભાવમાં 30 ટકાથી વધુનો ઘટાડો થતા ગીરવે રાખેલા સોનાની વર્તમાન કિંમત આપવામાં આવેલી લોનની રકમ કરતાં ઓછી થઈ જવાનું જોખમ ઊભું થયું છે. આ 'માર્જિન શોર્ટફોલ' સરભર કરવા માટે બેંકો અને NBFC કંપનીઓ ગ્રાહકોને લોનનો અમુક હિસ્સો ચૂકવી દેવા અથવા વધારાનું સોનું ગીરવે મૂકવા જણાવી રહી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમો શું કહે છે?

સોના સામે આપવામાં આવતા ધિરાણને સુરક્ષિત રાખવા માટે RBI દ્વારા 1લી એપ્રિલથી લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયોના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

  • રૂપિયા 2.5 લાખ સુધીની લોન: સોનાના મૂલ્યના મહત્તમ 85% સુધી ધિરાણ
  • રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખ સુધીની લોન: મહત્તમ 80% સુધી ધિરાણ
  • રૂપિયા 5 લાખથી વધુની લોન: મહત્તમ 75% સુધી ધિરાણ

કંપનીઓનું સાવચેતીભર્યું વલણ

જોકે સોનાના ભાવમાં સતત થઈ રહેલી અસ્થિરતા અને ઘટાડાને ધ્યાનમાં રાખીને ફાયનાન્સ કંપનીઓ હવે RBIની નિર્ધારિત મર્યાદા કરતાં પણ વધુ સાવચેતી રાખી રહી છે. ભવિષ્યમાં ભાવ હજુ ઘટે તો નુકસાન ન થાય તે માટે મોટાભાગની કંપનીઓએ હાલ પોતાનો LTV રેશિયો ઘટાડીને 65% સુધી સીમિત રાખી રહી છે.