Ayushman Card New Rules: જો તમે કે તમારો પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા હોવ, તો તમારે સરકારના નવા નિયમો જાણવા જ જોઈએ. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે e-KYC વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ નહીં મળે. આટલું જ નહીં, તમે નવું કાર્ડ પણ નહીં બનાવી શકો.
ગેરરીતિ અટકાવવા સરકાર AIની મદદ લઈ રહી છે
નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA) દ્વારા આયુષ્માન કાર્ટ બનાવવાની પ્રક્રિયાને વધારે કડક કરી દેવામાં આવી છે. હવેથી BIS 2.0 (Beneficiary Identification System) નામે નવી પદ્ધતિ લાગુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત નવું આયુષ્માન કાર્ડ ત્યારે જ ઈસ્યુ કરવામાં આવશે, જ્યારે લાભાર્થીનું આધાર કાર્ડ સાથે e-KYC પુરુ હશે.
આ યોજનામાં થઈ રહેલી ગેરરીતિ અને કૌભાંડને અટકાવવા માટે સરકાર હવે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 61,932 આયુષ્માન કાર્ડ શંકાસ્પદ મળી આવ્યા છે. જે પૈકી 48000થી વધુ આયુષ્માન કાર્ડનું ફિઝિકલ વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે, તો તે કાર્ડ પર મળતી નિઃશુલ્ક સારવાર તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે.
પરિવારના નવા સભ્યો પણ નહીં ઉમેરી શકાય
અગાઉ આયુષ્માન કાર્ડમાં પરિવારના નવા સભ્યોને ઉમેરવાની પ્રક્રિયા એકદમ સરળ હતી, પરંતુ હવે સરકારે તેને વધુ જટિલ અને સીમિત કરી દીધી છે. જેના કારણે હવે આડેધડ કાર્ડમાં નવા નામ ઉમેરવાનું લગભગ બંધ થઈ ગયું છે. જેના પરિણામે માત્ર જરૂરિયાતમંદ લોકો જ તેનો ફાયદો ઉઠાવી શકશે.
આ અંગે સરકારનું કહેવું છે કે, ઘણાં એવા લોકો પણ આ સરકારી યોજનાનો લાભ ઉઠાવી રહ્યા હતા, જેઓ ખરેખર લાયક જ નહતા. જેના પરિણામે સરકારી તિજોરી પર બોજો વધી રહ્યો હતો. આટલું જ નહીં, જેને ખરેખર આ યોજનાનો લાભ મળવો જોઈએ, તેના સુધી આ સુવિધા પહોંચી શકતી નહતી. આથી ગેરરીતિ અટકાવવા તેમજ સિસ્ટમને સાફ કરવાના ઉદ્દેશ્યથી આકરા પગલા લેવામાં આવ્યા છે.
જો તમારું કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહી હોય કે તમારી જાણકારી ખોટી જણાશે, તો તમને હોસ્પિટલમાં સારવાર મેળવતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજ કારણોસર સમયસર તમારું e-KYC સ્ટેટસ અચૂક ચેક કરી લો.
