Gold And Economy: ભારતમાં દરરોજ આશરે 2.2 ટન સોનાનું વેચાણ થાય છે. આ સોનાની કિંમત આશરે રૂપિયા 2000 કરોડથી રૂપિયા 2200 કરોડ આસપાસ મૂલ્ય આંકવામાં આવે છે. એટલે કે એક જ દિવસમાં જેટલા પૈસા સોના પાછળ ખર્ચ થાય છે એટલા પૈસા અનેક નાના-નાના શહેરોના સમગ્ર વર્ષના વિકાસ બજેટ માટે જતા હોય છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2018 બાદ સોનાની આયાત (Gold Import), રૂપિયાના મૂલ્યમાં નબળી સ્થિતિ તથા વિદેશી હૂડિયામણ વચ્ચે ઘનિષ્ઠ નાતો રહેલો છે. તાજેતરના અહેવાલ પ્રમાણે સોનાની આયાતા જેમ-જેમ વધી રહી છે તેમ-તેમ ડોલરની માંગ વધવા લાગે છે.
RBI ખૂબ જ ચિંતામાં શા માટે છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અહેવાલ પ્રમાણે માર્ચ 2026માં ભારતનું વિદેશી મુદ્રા ભંડોળમાં 40 અબજ ડોલરથી વધારે ઘટાડો થયો છે. સોનાની ભારે આયાત પણ તેની પાછળ મોટું કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત ભારતની વેપાર ખાધ એટલે કે CAD પણ સતત વધી રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતની વિદેશમાંથી આયાત વધારે છે અને નિકાસનું પ્રમાણ ઓછું છે.
સોનાની ખરીદીને લીધે ભારતમાંથી મોટા પ્રમાણમાં ડોલર બહાર થઈ રહ્યા છે. દેશના વિદેશી હૂંડિયાણના ભંડાર પર દબાણ જોવા મળી રહ્યું છે. ડોલરની માંગ વધી છે અને રૂપિયો નબળો થઈ રહ્યો છે. તેને લીધે ભારતમાં સોનું મોંઘુ થઈ રહ્યું છે તે ઉપરાંત મોંઘવારી પણ વધી રહી છે.
ભારતમાં સોનાની માંગ ખૂબ જ વધારે છે. પણ ઉત્પાદન ખૂબ જ ઓછું છે. દેશમાં જેટલું સોનું ઉપયોગમાં લેવામાં આવે છે તેનો મોટાભાગનો હિસ્સો વિદેશમાંથી આવે છે. સૌથી વધારે સોનું સ્વીત્ઝર્લેન્ડમાંથી આવે છે. તે ઉપરાંત UAE, દક્ષિણ આફ્રિકા, પેરુ અને હોંગકોંગ જેવા દેશોમાંથી ભારત સોનાની ખરીદી કરે છે.
PM મોદીની અપીલ
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે તેઓ શક્ય બને તો થોડા સમય માટે સોનાની ખરીદીથી દૂર રહે. કારણ કે સોનાની ખરીદી ઓછી થશે તો ડોલરની બચત થશે. વિદેશી હૂંડિયાણ ભંડાર મજબૂત થશે. રૂપિયા પર દબાણ ઓછું થશે અને વ્યાપાર ખાધ ઓછી થશે.
