Bharuch : સુરત સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની અગ્રેસર કંપની એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે જાણીતી એનર્જી ટેક્નોલોજી કંપની બેકર હ્યુજીસની સબસિડીયરી એવી બેકર પેટ્રોલાઇટ એલએલસી સાથે એથરે એક લાંબા ગાળાના મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ ભાગીદારી અંતર્ગત એથર દ્વારા ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા પાનોલી સ્થિત પોતાની સાઇટ-5 મેગ્નમ ખાતે દેશનો સર્વપ્રથમ સમર્પિત ડ્રેગ રિડ્યુસિંગ એજન્ટ્સ એટલે કે ડી.આર.એ. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે અને તેનું સંચાલન કરવામાં આવશે. સૌથી મોટી વિશેષતા એ છે કે, એથર ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટ માટે બેકર પેટ્રોલાઇટની એકમાત્ર એક્સક્લુઝિવ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર રહેશે, જે ભારત માટે ગર્વની વાત છે.
DRA ક્રૂડ ઑઈલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સની પાઈપલાઈનમાં થતાં ઘર્ષણને ઘટાડશે
આ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત થનારા ડ્રેગ રિડ્યુસિંગ એજન્ટ્સ એવા અત્યાધુનિક પર્ફોર્મન્સ કેમિકલ્સ છે, જે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ પ્રોડક્ટ્સની પાઇપલાઇન્સમાં થતા ઘર્ષણને ઘટાડવાનું કાર્ય કરે છે. પાઇપલાઇન ઓપરેટરો આ કેમિકલ્સની મદદથી વર્તમાન પાઇપલાઇન્સ દ્વારા વધુ જથ્થાનું વહન સરળતાથી કરી શકે છે અને પમ્પિંગ પાછળ વપરાતી ઊર્જામાં પણ મોટો ઘટાડો લાવી શકે છે.
જેમ-જેમ વૈશ્વિક સ્તરે પાઇપલાઇનની ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવાની માંગ વધી રહી છે, તેમ-તેમ આ પ્રોજેક્ટ અત્યંત સુસંગત સાબિત થશે. ભારતની ધરતી પર પહેલી જ વાર DRAs નું ઉત્પાદન થવાથી આ હાઇ-વેલ્યુ સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટમાં દેશની આંતરિક ક્ષમતાઓ અને આત્મનિર્ભરતા વધુ મજબૂત બનશે.
આ કરાર બેકર પેટ્રોલાઇટ સાથેના એથરના અગાઉના મજબૂત સંબંધોનો મજબૂત પાયો છે. તે બેકર પેટ્રોલાઇટની ઓઇલફિલ્ડ અને પાઇપલાઇન કેમિકલ્સની કુશળતાને એથરની જટિલ કેમિસ્ટ્રી, પ્રોસેસ સ્કેલ-અપ અને લાર્જ-સ્કેલ મેન્યુફેક્ચરિંગની તાકાત સાથે જોડે છે. આ લાંબા ગાળાની અને સમર્પિત સહયોગી ભાગીદારી એથરને ભવિષ્યની આવક અંગે મજબૂત સ્પષ્ટતા પ્રદાન કરશે અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તદ્દન નવા એન્ડ-માર્કેટના દ્વાર ખોલી આપશે.
આ ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા એથર ઇન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર અને ડિરેક્ટર તેમજ રિસર્ચ એન્ડ ઓપરેશન્સના એસવીપી ડૉ. અમન દેસાઈએ જણાવ્યું હતું કે, “ બેકર હ્યુજીસ દ્વારા આ અદ્યતન ટેક્નોલોજીને ભારતમાં સૌપ્રથમવાર લાવવા માટે એથરને તેમના એક્સક્લુઝિવ મેન્યુફેક્ચરિંગ સપ્લાયર તરીકે પસંદ કરવામાં આવી છે, જે કંપની માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે.
આ કરાર એથરની કેમિસ્ટ્રી, ટેક્નોલોજી, પ્રોજેક્ટ અમલીકરણ અને સુરક્ષા ક્ષમતાઓ પ્રત્યેના વૈશ્વિક વિશ્વાસનું સ્પષ્ટ પ્રતિબિંબ છે અને કંપની નિર્ધારિત સમયમાં આ પ્લાન્ટ પૂરો કરીને બેકર હ્યુજીસ અને તેના વિશ્વભરના ગ્રાહકોને વર્ષો સુધી સેવાઓ પૂરી પાડવા માટે ઉત્સુક છે.”
એથર ઇન્ડસ્ટ્રીઝના કો-ફાઉન્ડર, ડિરેક્ટર અને કોમર્શિયલ્સના એસવીપી રોહન દેસાઈએ ઉમેર્યું કે, આ દીર્ઘકાલીન કરાર વૈશ્વિક અગ્રણીઓ સાથે મજબૂત અને બહુ-વર્ષીય સહયોગ બાંધવાની એથરની રણનીતિમાં એક સીમાચિહ્ન સમાન છે. આનાથી કંપની માટે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નવું ક્ષેત્ર ખુલી રહ્યું છે અને ભવિષ્યની આવક અંગે મજબૂત સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. આ પ્રોજેક્ટ ભારતમાં વિશ્વ-કક્ષાના સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદનમાં એક મહત્ત્વનું અને સાર્થક યોગદાન પણ પૂરું પાડશે.
બેકર પેટ્રોલાઇટના પ્રમુખ લુસિયાના પિન્હોએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં પાઇપલાઇનની ક્ષમતા વધારવાની માંગ વધી રહી છે. એથર સાથે મળીને ભારતમાં પ્લાન્ટ શરૂ કરવાથી અમારા ગ્રાહકોને ખૂબ જ ફાયદો થશે અને ભારત જેવા ઝડપથી વિકસતા બજારમાં અમારું રોકાણ મજબૂત બનશે.
બેકર પેટ્રોલાઇટના સિનિયર ડિરેક્ટર ખિઝર અલીએ જણાવ્યું કે, એથર સાથેનો આ પ્લાન્ટ અમને પ્રાદેશિક સ્તરે જ કેમિકલ પૂરૂં પાડવામાં મદદ કરશે, જેથી સમય પણ બચશે અને ખર્ચ પણ ઘટશે. એથરે અગાઉ પણ સાબિત કર્યું છે કે તે જટિલ કામો પણ સુરક્ષિત રીતે કરી શકે છે.
અન્ય એક સિનિયર ડિરેક્ટર માર્ક વીઝોરેકે જણાવ્યું કે, ભારતમાં આ પ્રોજેક્ટ શરૂ થવાથી મિડલ ઇસ્ટ અને એશિયા-પેસિફિક જેવા મોટા બજારો સુધી પહોંચવું અમારા માટે ઘણું આસાન થઈ જશે.
